સુરત : આમ, તો ભારત કૃષિપ્રધાન દેશ છે, પરંતુ આ કૃષિપ્રધાન દેશમાં જગતનો તાત કહેવાતો ખેડૂત હાલ ખૂબ જ દયનિય હાલતમાંથી પસાર થઇ રહ્યો છે. એક તરફ મોંઘવારી તો બીજી તરફ કુદરત પણ રૂઠી છે. ચાલુ વર્ષે ખેડૂતોએ સારા પાકની આશાએ મહા મહેનતે ખેતરમાં પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ જરૂરિયાત કરતા વધારે વરસાદ પડતા અતિવૃષ્ટિ સર્જાય અને તેનો ભોગ ખેડૂતોએ બનવું પડ્યું. હજુ અતિવૃષ્ટિથી થયેલા નુકશાનમાંથી ખેડૂત બહાર નથી નીકળ્યો ત્યાં હવે ખેડૂત માટે નવી આફત આવીને ઉભી છે. શેરડી, ડાંગર, તુવેર સહીત તમામ ઉભા પાકો નષ્ટ પામી રહ્યા છે. જે પાણીના અભાવે નહીં, પરંતુ જંગલી ભૂંડ દ્વારા કરવામાં આવતા નુકશાનનું પરિણામ છે.
તીડ બાદ દક્ષિણ ગુજરાતમાં હવે ભૂંડનો આતંક
ઉત્તર ગુજરાતમાં તીડે હાહાકાર મચાવ્યો તો દક્ષિણ ગુજરાતમાં ભૂંડના ત્રાસથી જગતનો તાત હેરાન-પરેશાન થઇ ગયો છે. ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર ખેડૂતોને સહાયરૂપ બને એવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
જે રીતે પાકિસ્તાનથી આવેલા તીડે આખા ઉત્તર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો હતો. તે જ રીતે દક્ષિણ ગુજરાતમાં ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તીડની જેમ જ ભૂંડ પણ ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યા છે. જીણોદ, કમરોલી, પારડી, કોબા, ઠોઠબ, ભટગામ, વડોલી, કદરામાં, ઊમરાછી સહિતના આખા ઓલપાડ તાલુકામાં જંગલી ભૂંડે હાહાકાર મચાવી દીધો છે. ખેડૂતોનું જો માનીએ તો, શેરડી જેવા પાકોમાં તો 80 ટકા નુકશાન ભૂંડને કારણે થઇ રહ્યું છે. દેવું કરીને ખેતી કરનાર ખેડૂતોએ મોંઘુ બિયારણ જેમ તેમ ખરીદ્યુ હતું. હવે નુકશાની બાદ ખેડ કઈ રીતે કરવી તેની દ્વિધામાં ખેડૂત મુકાઈ ગયો છે.
સાંજ પડતાની સાથે જ જંગલી ભૂંડનું ઝુંડ ખેતરાઈ વિસ્તારમાં ત્રાટકે છે. માત્ર શેરડી કે શાકભાજીના પાકો ને જ નહીં, પરંતુ જંગલી ભૂંડો આખું ખેતર જ સાફ કરી નાખે છે. દેવું કરીને પાક તૈયાર કરનાર ખેડૂતો પોતાનો ઉભો પાક બચાવવા દિવસ-રાત એક કરી રહ્યા છે. રાત્રે મશાલ અને અગ્નિ પ્રગટાવી રાતોરાત ઉજાગરા કરી રહ્યા છે, એટલું જ નહીં, પરંતુ ખેતરમાં ખેડૂતની હાજરી હોવાનું પ્રદર્શિત કરવા ચાળિયો પણ મૂકે છે. આમ, પાક બચાવવા ખેડૂતો મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. આ જંગલી ભૂંડ ક્યારેક હિંસક બની ખેડૂતો પર હુમલો પણ કરી દે છે. આથી, ખેડૂતો માગ કરી રહ્યા છે કે તેઓને જલ્દીથી જલ્દી આ ભૂંડના ત્રાસમાંથી મુક્તિ અપાવે.