સુરત: વરાછા પોલીસ મથકમાં દિપક વિનોદ મોદીનું પોલીસ કસ્ટડીમાં મોતને 24 કલાક થઈ ગયા છે. ન્યાયની માંગણી કરી રહેલા પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. જોકે 24 કલાક બાદ પણ અત્યાર સુધી સુરત પોલીસના કોઈ પણ જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
તપાસ માટે અથવા કોઈ ગુનામાં આરોપીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેનું મૃત્યુ થવાની ઘટના સુરત શહેરના વિવિધ પોલીસ મથકમાં બની રહી છે. મંગળવારે વધુ એક વખત વરાછા પોલીસ મથકની કસ્ટડીમાં અટકાયતી પગલા માટે લવાયેલા વ્યક્તિનું મોત નિપજતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કસ્ટડીમાં આરોપીના મોતને કારણે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.
વરાછા કસ્ટોડિયલ ડેથ મામલે 24 કલાક પછી પણ મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો સાફ ઈન્કાર મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં પરિવારજનોએ પોલીસ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. મૃતકના પરિવારજનોએ પોલીસ કમિશ્નરને રજુઆત કરી ન્યાયની માગણી કરી હતી.
વરાછાના ગૌશાળા નજીક રહેતા ૪૯ વર્ષીય દિપક વિનોદભાઈ મોદી નામના વ્યક્તિની વરાછા પોલીસ દ્વારા કલમ 151 હેઠળ અટકાયત કરાઈ હતી. દિપકને પોલીસ મથકના લોકઅપ રૂમમાં મુકવામાં આવ્યો હતો. દરમિયાન લોકઅપ રૂમમાં અચાનક દિપકની તબિયત બગડી ગઈ હતી. ખાનગી વાહનમાં દિપકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
દિપકના મોતને લઈ પોલીસ મથકમાં હાજર કર્મચારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. પોલીસના મારના કારણે દીપકનું અવસાન થયું હોવાનો ગંભીર આરોપ દિપકની પત્નીએ લાગાવ્યો છે. પરિવારે મૃતદેહ નહીં સ્વીકારવાનું કહ્યું હતું. મૃતકની પત્નીનું કહેવું હતું કે, દિપકને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી. તેની કોઈ પણ સારવાર ચાલુ નહોતી. જેથી પતિનું મોત ક્યાં કારણોસર થયું તે પોલીસ જણાવે એવી બે હાથ જોડીને અપીલ કરી હતી, સાથે જ જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ કરી હતી. મહત્વનું છે કે દિપક ખમણ વેચીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જ્યારે પોલીસનો આરોપ છે કે દિપક જુગાર રમતો હતો.