- સંસદમાં યાદ કરાઈ ગુજરાતી પ્રવાસીઓ સાથે બનેલી આતંકની ઘટના
- મે 2006માં સર્જાઈ હતી કરુણાંતિકા
- આતંકી હૂમલામાં ચાર બાળકોએ ગુમાવ્યાં હતાં જીવ
- PM મોદી અને ગુલામનબી આઝાદ વચ્ચે જીવંત થઇ યાદગીરી
સુરત : ઘટનાનો થોડો ફ્લેશબેક આપને જણાવીએ. જરીવાલા પરિવારના 36 સભ્યો કશ્મીરની વાદીઓની બર્ફીલી ખૂબસુરતી માણી પ્રકૃતિનો આનંદ પામવા પ્રવાસની શરુઆત કરી હતી. ત્યાં તો 25 મે 2006નાએ કાળમુખા દિવસે જરીવાલા પરિવારથી ભરેલી બસમાં બે બાઈકસવાર આતંકીઓએ હેન્ડ ગ્રેનેડ ફેંકીને હુમલો કરી દીધો હતો. આ ગ્રેનેડ પડ્યાં ત્યાં ચાર બાળકો બેઠાં હતાં. જેમાં 8 વર્ષીય રોબીન રાકેશકુમાર જરીવાલા, 16 વર્ષીય ખુશ્બુ નરેન્દ્ર જરીવાલા, 8 વર્ષીય ફેનિલ હેમંતભાઈ જરીવાલા અને 16 વર્ષીય ક્રિષ્ના રાજેશભાઈ જરીવાલા -આ ચારેય બાળકો મોતને ભેટ્યાં હતાં. વર્ષ 2006માં બનેલી આ ઘટના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં. આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે કશ્મીરના તે સમયના મુખ્યપ્રધાન ગુલાબનબી આઝાદ સાથે સંપર્ક કર્યો હતો. ખાસ વાયુસેનાના વિમાનથી જરીવાલા પરિવારના તમામ સભ્યો અને બાળકોના મૃતદેહને ગુજરાત પરત લાવવામાં આવ્યાં હતાં.. આ ઘટનાને હવે પંદર વરસોના વહાણાં વાઈ ચૂક્યાં છે પરંતુ પોતાના વહાલસોયાં બાળકોને ગુમાવનાર જરીવાલા પરિવાર માટે બદલાતી તારીખો કંઇ મહત્ત્વ નથી રાખતી અને બસ મૃત સંતાનોની યાદમાં સતત આસુંઓ સર્યે જાય છે, ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં પણ તેઓનું રુદન જાણે આજે જ આ ઘટના બની હોય તેવું હૈયું વલોવનારું હતું.
PM મોદી અને ગુલામનબી આઝાદ પ્રત્યે વ્યક્ત કરી લાગણીઓ
કોઇએ કલ્પના ન કરી હતી કે આ ઘટનાનો ઉલ્લેખ 15 વર્ષ બાદ સંસદમાં થશે. આ ઘટનાને યાદ કરનાર કોઈ બીજા નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે..આ ઘટનાને યાદ કરતાં વડાપ્રધાન ભાવુક થઈ ગયાં હતાં.. સાથે ગુલામનબી આઝાદ પણ ઘટનાનો ઉલ્લેખ કરી રડી પડ્યાં હતાં.. બંને નેતાઓને ઘટના આજે પણ યાદ છે અને તેઓ ઘટનાનો ઉલ્લેખ કરી ભાવુક થઈ રહ્યાં છે એ ક્ષણો જોઈને જરીવાલા પરિવારના સભ્યોની આંખોમાં પણ અશ્રુ વિરામ લેવા નહોતા માગતાં. તેઓએ માત્ર એટલું જ જણાવી શક્યાં કે આ ઘટના આજે પણ વડાપ્રધાનને યાદ છે, એ અમારી માટે ગર્વની બાબત છે. તેઓએ ગુલામનબી આઝાદનો પણ આભાર માન્યો હતો. રોબીનની માતા ભાવિની જરીવાલાએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ અમારા બાળકોના અંતિમ સંસ્કારના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે મુખ્યપ્રધાન હતાં, તેઓ સુરત આવ્યાં હતાં અને અંતિમ સંસ્કારમાં સામેલ થયાં હતાં. તેઓએ અમને તે વખતે સાંત્વના આપી હતી..પોતાની 16 વર્ષીય દીકરી ખુશ્બૂને આતંકવાદી ઘટનામાં ગુમાવનાર નરેન્દ્ર જરીવાલાએ જણાવ્યું હતું કે તે સમયના મુખ્યપ્રધાન અને હાલના પીએમ મોદી કશ્મીરના મુખ્યપ્રધાન ગુલામનબી આઝાદના સતત સંપર્કમાં હતાં. તેઓ સતત વાતચીત કરી રહ્યાં હતાં. આ જ કારણ છે કે ખાસ વિમાન દ્વારા અમારા બાળકોના મૃતદેહને અહીં લાવવામાં આવ્યાં હતાં.. ખુશ્બૂની માતાએ જણાવ્યું હતું કે જ્યારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયાં ત્યારે તેમને જોઈને અમને સમગ્ર ઘટના યાદ આવી ગઈ અને અમે પરિવારના સભ્યો પણ રડવા લાગ્યાં હતાં. તે સમયે જે સુવિધાઓ આ બંનેએ અમારા પરિવાર માટે ઉપલબ્ધ કરાવી તે કોઈપણ નેતા કરી શકે એમ નથી. આજે તેઓ અમારા પરિવારના સભ્યોની જેમ ભાવુક થઈ ગયાં. ગુલામનબી આઝાદ અમારી સાથે વડોદરા સુધી આવ્યાં હતાં. ગુલામનબી આઝાદ વારંવાર અમને પાણી પીવડાવવા માટે પ્રયાસ કરી રહ્યાં હતાં અને અમારા દુઃખમાં સહભાગી થઇ રહ્યાં હતાં .તેઓએ અમારી ખૂબ જ કાળજી લીધી હતી.
આજે પણ જરીવાલા પરિવાર બાળકોની યાદમાં રુદન કરી રહ્યો છે