- બારડોલી સુગર ફેક્ટરીમાં ચૂંટણીનો જંગ
- સહકાર પેનલના તમામ ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
- 7 નવેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની થઈ શરૂઆત
સુરત: બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી જાહેર થતાં ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે જ સહકાર પેનલના તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે પણ અનુસૂચિત જાતિ/જનજાતિ જૂથમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી જાહેર સહકાર પેનલના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
એશિયાની સૌથી મોટી ગણાતી સહકારી ક્ષેત્રની બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈ શનિવારે ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે વર્તમાન પ્રમુખ રમણલાલ પટેલની સહકાર પેનલના ઉમેદવારોએ તમામ 15 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી. સુરત જિલ્લામાં સુગર ફેક્ટરીઓની ચૂંટણીનો માહોલ જામ્યો છે. મહુવા અને મઢી સુગર ફેક્ટરીમાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે હવે બારડોલી સુગર ફેક્ટરીમાં પણ આજે શનિવારથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત છે. પ્રથમ દિવસે જ વર્તમાન પ્રમુખ રમણલાલ સૂખાભાઈ પટેલની આગેવાનીમાં સહકાર પેનલના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર સહિતના 15 ઉમેદવારોએ વિવિધ બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
15 જૂથો પર સહકાર પેનલના તમામ ઉમેદવારો મેદાનમાં
- મોતા જૂથ પર વર્તમાન ઉપપ્રમુખ ભાવેશ પટેલ
- ખરવાસા જૂથમાંથી રમણ સૂખા પટેલ
- શામપુરા જૂથમાંથી પ્રવીણ વલ્લભ પટેલ
- ઓરણા જૂથમાંથી જયંતિ ભૂલા દેસાઇ
- સેવણી જૂથમાંથી સુરેશ સોમા પટેલ
- પૂણા જૂથમાંથી સુરેશ રંગીલ પટેલ
- તુંડી જૂથમાંથી હેમંત ભીખુ પટેલ
- એના જૂથમાંથી પરિમલ બળવંત પટેલ
- નિઝર જૂથમાંથી નટવર પ્રેમા પટેલ
- બારડોલી જૂથમાંથી હેમંત જેલુ હજારી
- મોટીફળોદ જૂથમાંથી અનિલ ભીખુ પટેલ
- બિનઉત્પાદક સહકારી સંસ્થામાંથી અનિલ પરસોત્તમ પટેલ
- સ્ત્રી અનામત 1માંથી અમિતા ભરત પટેલ
- સ્ત્રી અનામત 2માંથી ઇન્દુબેન જયંતિ પટેલ
- અનુસૂચિત જાતિ/જનજાતિ જૂથમાંથી ઈશ્વર પરમાર
4 જૂથમાં ઉમેદવારો બદલવામાં આવ્યા
બારડોલી સુગર ફેક્ટરીની શામપુરા, ઓરણા, પુણા અને સ્ત્રી અનામત 2 જૂથમાં સહકાર પેનલમાં નવા ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે, જ્યારે બાકીના જૂથમાં તમામ ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. આગામી 9 નવેમ્બર સુધીમાં સામેની પેનલ અને અન્ય અપક્ષ ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવશે. આ સાથે જ 10 નવેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 14 નવેમ્બર સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. ઉલ્લેખનીય છે કે, બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે.