સુરતઃ કોરોના વાઇરસને લઈ ચીન બાદ હવે ભારત પણ એલર્ટ થયું છે, જ્યારે વાત સુરતની કરીએ તો, અત્યાર સુધીમાં ચીનથી આઠ લોકો સુરત શહેરમાં આવ્યા છે, જેમાં બે વેપારીઓ સહિત પાંચ વિદ્યાર્થીઓ ચીનથી આવ્યા બાદ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું હતુ. આ તમામનો મેડિકલ ચેકઅપ કરી તેઓને તેમના નિવાસસ્થાને ઓબઝર્વેશનમાં મૂકવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ સમયે- સમયે તમામનું મેડિકલ ચેકઅપ કરી રહી છે. આ તમામ લોકો ચીનના અસરગ્રસ્ત વિસ્તારથી આવ્યા છે કે, નહીં તેની પણ જાણકારી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. આ લોકોની મેડિકલ સ્થિતિ પર 28 દિવસ સુધી આરોગ્ય વિભાગ નજર રાખશે.
' કોરોના કહેર ' : ચીનથી પરત આવેલા સુરતના 8 ઓબ્ઝર્વેશન હેઠળ, આરોગ્ય અધિકારીની ચુપકીદી - સુરત સમાચાર
કોરોના વાઈરસના કારણે ચીનમાં હાહાકાર મચ્યો છે, ત્યારે સુરતમાં પણ આ વાઇરસથી બચવા માટે સિવિલ હોસ્પિટલમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી અને ડોક્ટરો વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધી ચીનથી આઠ લોકો આવ્યા છે, જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ અને બે ઉદ્યોગપતિઓ છે. તકેદારીના ભાગરૂપે આ તમામની મેડિકલ ચેકઅપ કરાવી લેવામાં આવ્યું હતુ અને તેમના નિવાસ સ્થાને તેઓ મેડિકલ ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે.
કોરોના વાઇરસની અસર સુરતમાં ન જોવા મળે આ માટે તંત્ર દ્વારા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો, પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને નર્સીંગ સ્ટાફ સહિત પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો પણ હાજર રહ્યા હતા. કોરોના વાઇરસને લઈ હોસ્પિટલમાં ખાસ આઇશોલેશન વોર્ડ ઉભો કરવા અને તકેદારીના ભાગરૂપે તૈયારીઓ કરવા અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. કોરોના વાઇરસને લઈ યોજાયેલી મીટીંગ અંગે કોઇ પણ અધિકારી કે ડોક્ટરે સત્તાવાર રીતે જાણકારી આપી નથી. સુરતના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથી.