સુરત:ગુજરાતી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ વિદેશમાં મેળવી શકે આ માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય કરવા માટે વિદેશ અભ્યાસ લોન સહાય શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સામાન્ય વ્યાજમાં જ લોન આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન સહાય શરૂ કરવાનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તેમને સાધારણ અને ઓછા વ્યાજના દરે ગુજરાત સરકાર તેમને આર્થિક રીતે મદદ કરી શકે. પરંતુ આ મદદ મેળવવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓના પરસેવા નીકળી જાય છે. સરકારી બાબુઓ વિદ્યાર્થીઓની અરજીના નિકાલ માટે સમય લેતા હોય છે અને આ સમય કેટલાક મહિના સુધી લાંબો ખેંચાઈ જાય છે ,જેની ફરિયાદ પોતે ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ પોતાના જ સરકારને કરી છે.
શું છે વિદેશ અભ્યાસ લોન સહાય?:ગુજરાત સરકાર દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે. ધોરણ 12 પછી ડિપ્લોમા સ્નાતક અને સમકક્ષ અભ્યાસક્રમો માટે આ લોન આપવામાં આવતી હોય છે. ખાસ કરીને સ્નાતક અને ત્યાર પછી અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે પણ લોન આપવામાં આવતી હોય છે. માત્ર વાર્ષિક 4%ના ઓછા વ્યાજે વિદ્યાર્થીઓને લોન આપવામાં આવતી હોય છે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા:આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ વિદેશ જતા પહેલા વેબસાઈટ પર જઈ ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી સબમીટ કરીએ ફોર્મ ની પ્રિન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બીડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી જે તે જિલ્લા કચેરીમાં જમા કરાવવાની હોય છે. અને ત્યારબાદ તેનું ફોર્મ ગાંધીનગર એપ્રુવલ માટે જતું હોય છે પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં ચારથી સાત મહિના સુધીનો સમય ચાલી જાય છે. જેના કારણે વિદ્યાર્થી ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કારણ કે વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે તમામ પ્રક્રિયાઓ હાથ ધરતા હોય છે ,જેમાં વિઝા અને ખાસ કરીને વિદેશમાં કોલેજમાં એડમિશન મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તેઓ આ લોન મેળવવા માટે અરજી કરતા હોય છે પરંતુ જ્યાં સુધી લોન ની રકમ મળે ત્યાં સુધી એડમિશન નો સમય પણ નીકળી જતો હોય છે. જે અંગે વિદ્યાર્થીઓએ સુરતના ધારાસભ્ય કુમાર કાનાની ને રજૂઆત પણ કરી હતી. જેના કારણે કુમાર કાનાની એ સરકારમાં આ બાબતે નિકાલ કરવા માટે પત્ર લખ્યો છે.