અરબી સમુદ્ર બનેલા લો - પ્રેસર સાયકલોનમાં પરિવર્તિત થવાના કારણે " વાયુ " વાવાઝોડાએ સ્વરૂપ લીધું છે. જે વેરાવળથી સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાત તરફ ફંટાવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજ્યના તમામ દરિયા કાંઠાને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. દરિયા કિનારે સહેલગાહે આવતા સહેલાણીઓના પ્રવેશ પર આગામી 15 તારીખ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો વિકટ પરિસ્થિતિ સર્જાય અને જાનમાલને નુકસાન ન થાય તેને લઇ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
સુરતમાં NDRF, SDRF સહિત SRP રહેશે સ્ટેન્ડ બાય
સુરત: સંભવિત " વાયુ " વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ત્યારે સુરતના દરિયા વિસ્તારમાં આવેલા ગામવાસીઓને પણ વિકટ પરિસ્થિતિના સમયે સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે. આ અંગે સુરત પોલીસના માર્ગદર્શન હેઠળ હજીરાના ગામવાસીઓ, માછીમારો, તેમજ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જ્યાં વિકટ પરિસ્થિતિના સમયે પહોંચી વળવા તેમજ સાવચેતી રાખવા અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી તો સાથે NDRFને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું છે.
સુરતનું વહીવટી તંત્ર સજાગ બન્યું છે અને ખાસ હજીરા, ડુમસ જેવા દરિયાઈ વિસ્તારમાં રહેતા ગામવાસીઓ, માછીમારો તેમજ ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે સંકલન સાધી બેઠક યોજી રહ્યું છે. રાજ્ય સરકારના આદેશ અને સુરત જિલ્લા કલેકટર તેમજ પોલીસ કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ હજીરાના ગામવાસીઓ, માછીમારો તેમજ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી છે. જ્યાં " વાયુ " વાવાઝોડાની અસર વર્તાઈ તે દરમિયાન ક્યા પ્રકારની સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી હતી. આ સિવાય લોકોને પતરા અને કાચા મકાન નીચે અથવા તો વર્ષો જુના વૃક્ષ નીચે પણ ન ઉભા રહેવા તાકીદ કરવામાં આવી છે.