સુરતઃ શહેરમાં દિન-પ્રતિદિન કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. કોરોના પોઝિટિવના દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મેળવા માટે દર્દીના પરિજનો ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે સબ સલામતના મોટા મોટા દાવા કરતા તંત્રની પોલ ઉઘાડી પડી જવા પામી છે.
સુરતમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન માટે કોરોના સંક્રમિત દર્દીના પરિજનો ખાઈ રહ્યા છે ધક્કા - ઇન્જેક્શન
સુરતમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને યોગ્ય સમયે જીવન રક્ષક ગણાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મળી રહે તેવી તંત્ર દ્વારા કરવામાં આવેલી યોગ્ય વ્યવસ્થાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન માટે કોરોના સંક્રમિત દર્દીના પરિજનો રઝળપાટ કરતા હોય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
તંત્રના અધિકારીઓ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક હોસ્પિટલ પાસે છે, અત્યંત જરૂરી દર્દીઓને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે માટે એક કમિટી પણ બનાવી છે. આ કમિટીની ભલામણ બાદ દર્દીના પરિજનોને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપવામાં આવશે, પરંતુ તંત્રના આ દાવા ક્યાંક કાગળ પુરતા જ સિમિત જોવા મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ખાનગી હોસ્પિટલમાં જીવન- મરણ વચ્ચે ઝોલા ખાતા પોતાના સ્વજન્નને બચાવવા પરિજનો ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મેળવવા રીતસર ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તંત્ર પાસે ઇન્જેક્શનનો સ્ટોક જ ન હોવાના કારણે દર્દીના પરિજનોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરત જિલ્લા કલેકટર પાસેથી લેખિતમાં મેળવેલી પરવાનગી અને તંત્રની સૂચના બાદ ઇન્જેક્શન લેવા સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચેલા કોરોના સંક્રમિત દર્દીના પરિજનો કતારમાં તો ઉભા રહ્યા, પરંતુ બાદમાં ઇન્જેક્શનનો સ્ટોક જ ન હોવાની વાત હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવી હતી.