- હવે હીરા અને જવેલરી કુરિયર મારફતે એક્સપોર્ટ કરી શકાશે
- કાર્ગોથી પાર્સલ મોકલાવતા કસ્ટમ ક્લિયરન્સમાં વિલંબ થતો હતો
- ઇ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે કુરિયરથી એક્સપોર્ટને મંજૂરી અપાઇ
સુરત : નાના હીરા ઉદ્યોગકારો અને જ્વેલરી એક્સપોર્ટની ચેઈનમાં વધારો લાવવા ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા કુરિયરના માધ્યમથી હીરા અને જ્વેલરી એક્સપોર્ટ કરવાની પરવાનગી આપવામાં આવી છે. GJEPC દ્વારા B2C વેપાર વધારવા અને MSAEને લાભ થાય એવા હેતુથી આ માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. જેને હવે ભારત સરકાર તરફથી લીલી ઝંડી આપવામાં આવી છે.
વાણિજ્ય મંત્રાલયે આપી કુરિયરના માધ્યમથી હીરા અને જ્વેલરી એક્સપોર્ટ કરવાની મંજૂરી સરકારે કુરિયર એન્ડ એક્સપોર્ટ અધિનિયમ 2010 બાબતે સ્પષ્ટતા કરી
અત્યાર સુધીના પાર્સલ કાર્ગોની મદદથી એક્સપોર્ટ કરાતા હતા. જેથી નાના હીરા ઉદ્યોગકારોને તેમજ જવેલર્સને ખર્ચ વધુ આવતા નફાનું માર્જિન ઓછું રહેતું હતુ. જેના કારણે છેલ્લા કેટલાય સમયથી GJEPC દ્વારા કુરિયરના માધ્યમથી એક્સપોર્ટ કરવાની માંગણી કરવામાં આવી હતી. જેને ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયે સ્વીકારી લીધી છે. હવે હીરા અને જ્વેલરી કુરિયરના માધ્યમથી એક્સપોર્ટ કરવામાં આવશે. સરકારે કુરિયર એન્ડ એક્સપોર્ટ અધિનિયમ 2010 બાબતે સ્પષ્ટતા કરી છે કે, હીરા અને જવેલરી કુરિયર મારફતે એક્સપોર્ટ કરી શકાશે, પરંતુ તેના માટે ચોક્કસ માપદંડ રાખવામાં આવ્યા છે.
65થી 100 ડોલર ખર્ચ થતો
આ અંગે સુરત GJEPC પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી કાર્ગોથી પાર્સલ મોકલાવતા કસ્ટમ ક્લિયરન્સમાં વિલંબ થતો હતો અને તેની એકસપોર્ટ કિંમત વધી જતી હતી. અત્યાર સુધી કાર્ગો શિપમેન્ટથી એક્સપોર્ટ કરવા પાછળ નાના ઉદ્યોગકારોને 65થી 100 ડોલર ખર્ચ થતો હતો. જ્યારે ચીન અને મધ્ય પૂર્વથી માલ એક્સપોર્ટ કરવા પર માત્ર 3.5 ડોલરથી 5 ડોલર શિપિંગ ચાર્જ લાગતો હતો. જેને લઈને ભારતીય હીરા ઉદ્યોગને પ્રતિસ્પર્ધામાં પાછળ રહેવું પડતું હતું. નાના ઉદ્યોગકારોને લાભ અપાવવા તથા ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે કુરિયરથી એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવી છે.