આમ તો દેશમાં હોળીનો તહેવાર અતિપ્રિય તહેવારોમાંથી એક છે અને વાત જ્યારે સુરતની થાય ત્યારે લોકો હોળીના પર્વને લઇ ખૂબ ઉત્સાહિત જોવા મળે છે. સુરતમાં બીજા રાજ્યોમાંથી આવેલા લોકો વસતા હોય છે ખાસ કરીને રાજસ્થાન સમાજના લોકો માટે હોળીએ અતિપ્રિય તહેવાર છે. સુરતમાં રહી તેઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરા અનુસાર હોળી મહોત્સવનું આયોજન કરતા હોય છે. જેમાં પરંપરાગત લોકગીત અને નૃત્યનો સમાવેશ થાય છે.
હોળી ટોડી ગ્રુપ દ્વારા હોળીની અનોખી ઉજવણી, મારવાડી ભાષામાં મોદીનું ગીત ગાઇ કરી પ્રશંસા
સુરત: લોકસભા ચૂંટણીનો રંગ હોળીના રંગોમાં રંગાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. સુરત ખાતે રાજસ્થાની સમાજ દ્વારા આયોજિત હોળી મહોત્સવમાં લોકગીતોની ધૂન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગીતો ગાતા લોકો જોવા મળ્યા હતા. હોળી ટોડી નામનું ગ્રુપ હોળી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતું એક મારવાડી ભાષામાં ગીત ગાઇ રહ્યું છે અને લોકો આ ગીતને બિરદાવી રહ્યા છે.
આ વર્ષે પણ હોળી મહોત્સવ રંગ જોવા મળ્યો પરંતુ આ વખતે લોકગીતમાં લોકસભા ચૂંટણીની અસર પણ જોવા મળી રહી છે. હોળી મહોત્સવના આયોજનમાં રાજસ્થાની લોકગીતના સંગીત પર યુવાઓની ટોળકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મારવાડી ભાષામાં ગીતો ગાતા નજરે પડ્યા હતા. હાથમાં ડફલી લઈ તેઓ વડાપ્રધાનના સમર્થનમાં ગીતો ગાતા હતા. હોળી ટોડી નામનું આ ગ્રુપ હંમેશા હોળી માટે સંગીત અને ગીત તૈયાર કરતી હોય છે.
આ વખતે ચૂંટણી પર્વ પહેલા હોળીના પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં ગીતો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે .ગીત રજુ કરનાર તમામ યુવાઓ એક જ પરિધાનમાં નજરે આવે છે.