સુરત:સમગ્ર સુરત જિલ્લામાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આ રખડતા ઢોર લોકોના માથાના દુખાવા સમાન બની ગયા છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જાહેર માર્ગ પર રખડતા ઢોરોની સમસ્યાએ માઝા મૂકી દીધી છે. કામરેજ પોલીસ મથકથી લઈને કામરેજ બજાર તરફ જતા પોલીસ લાઈન રહેઠાણ સામેના જાહેર માર્ગ પર જ બે બળિયા બાથે વળગ્યા હોય તેમ ઝનૂની બનેલા બે આખલા વચ્ચેની લડાઈ થઈ હતી. આખલા લડાઈના કારણે આ મુખ્ય માર્ગ પર પસાર થઈ રહેલા વાહન ચાલકોના થોડી વાર માટે જીવ તાળવે ચોંટી ગયા હતા.
Surat News: કામરેજ વિસ્તારમાં આખલા યુદ્ધ, લોકોના જીવ તાળવે ચોંટયા
સુરત જિલ્લામાં કામરેજ વિસ્તારમાં જાહેર માર્ગ પર બે આખલા યુદ્ધએ ચડી જતા અફરાતફરી મચી ગઇ હતી.રસ્તા પર પસાર થતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા. જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
"આ બાબતે અમારા દ્વારા પશુપાલકોને નોટિસ આપી દેવામાં આવી છે. તેમજ જે પણ માલિકના ઢોર રોડ પર રખડી રહ્યા છે. તેઓને ત્રણ દિવસમાં ઢોર કબજે કરવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે. આમ છતાં ઢોર માલિકો દ્વારા રખડતા ઢોર કબજે કરવામાં નહિ આવે તો તેઓ પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.--બાબુભાઈ વસાવા (કામરેજ તાલુકા પંચાયતના તલાટી કમ મંત્રી)
રસ્તા પર લાંબો ટ્રાફિક:વાહન ચાલકો ક્યાંક તેઓ તેની અડફેટે તો નહીં ચઢી જાય ને તેવો ભય સૌને સતાવતો હતો.ત્યારે આખરે આખલાઓના યુદ્ધનો અંત આવતા સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.ત્યારે જાહેર માર્ગ પર રખડતા ઢોરોની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી લોકોની લાગણી અને માંગણી છે. સ્થાનિક કામરેજ ગ્રામ પંચાયત આ આખલા યુદ્ધમાંથી લોકોને મુક્તિ અપાવે તે હાલ જરૂરી બની ગયું છે. અત્રે ઉલેખનીય છે કે કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. જાહેર રસ્તાની વચ્ચે જ રખડતા ઢોરો અડિંગો જમાવી બેઠેલા જોવા મળતા હોય છે. જેને કારણે રસ્તા પર પસાર થતા વાહન ચાલકોને પણ સતત અકસ્માત થવાનો ભય સતાવતો હોય છે. ઘણી વાર રખડતા ઢોરોના કારણે રસ્તાઓ પર લાંબો ટ્રાફિક પણ થઈ જતો હોય છે.