સુરત: રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફરી એકવખત મોટી કાર્યવાહી કરવામા આવી છે. ટોસિલિઝુમેબ અને રેમડેસિવર ઇન્જેક્શનના કાળા બજારનો ફરી પર્દાફાશ થયો છે. સિપ્લા કંપનીના મેનેજર દ્વારા થતા બ્લેક માર્કેટિંગ રેકેટનો પર્દાફાશ થતા ફફડાટ મચી જવા પામ્યું છે.
સુરતના જાગૃત યુવકે ગોઠવેલી ટ્રેપમાં મેનેજર સહિત ટોળકી ફસાતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે. 4800 રેમડેસિવર ઇન્જેકશનના 18,000 રૂપિયા વસુલવામાં આવ્યા હતા.
સુરતના જાગૃત યુવકે ફોન પર સંપર્ક કરી ટોસિલિઝુમાબ ઇન્જેક્શન મંગાવ્યા હતા. સ્ટોકમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ન હોવાથી રેમડેસિવર ઇન્જેક્શન આપવાની સામે વ્યક્તિએ તૈયારી દર્શાવી હતી. ઇન્જેક્શનનો ઓર્ડર લીધા બાદ ડીલેવરી લેવા સુરતના કતારગામમાં આવેલા ડભોલી ચાર રસ્તા પાસે યુવકને બોલાવવામાં આવ્યો હતો. જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગોઠવેલી ટ્રેક પ્રમાણે ઇન્જેક્શનની ડીલેવરી આપવા આવેલા 18થી 20 વર્ષના યુવકને ત્રણ ઇન્જેકશન સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલ યુવક સિપ્લા કંપનીમાં ફરજ બજાવતા સંદીપ માથુકિયાનો નાનો ભાઈ હોવાનું બહાર આવ્યું હતુ.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા યુવકના ઘરે તપાસ કરવામાં આવી હતી. સિપ્લા કંપનીના મેનેજરના ઘરેથી પણ 15 ઇન્જેક્શન મળી આવ્યા છે. જેમાં 5 ટોસિલિઝુમાબ અને 12 રેમડેસિવર ઇન્જેક્શન હતા. આ સમગ્ર કૌભાંડનો રેલો અમદાવાદ પહોંચતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઇ હતી.
અમદાવાદ સિપ્લા કંપનીના મેનેજરની પૂછપરછ કરતા જ સાથી મિત્ર અને પાર્ટનર પાર્થ ગોયાણી વિશે માહિતી બહાર આવી હતી. પાર્થ ગોયાણીના ઘરે તપાસ કરતા વધુ 15 ઇન્જેક્શન મળ્યા છે.કુલ 32 જેટલા ઇન્જેક્શન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કબજે લેવાયા છે. મૂળ કિંમત થી ત્રણ ગણા ભાવ વસુલવામાં આવતા હોવાનું તપાસામા બહાર આવ્યુંં હતું.