ગુજરાત

gujarat

ETV Bharat / state

દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લુનો પ્રવેશ : મઢીમાં મળેલા મૃત કાગડાઓના રિપોર્ટ પોઝિટિવ - news in Bardoli

દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લુની એન્ટ્રી થઈ ચૂકી છે. ગત 6 જાન્યુઆરીના રોજ બારડોલી તાલુકાના મઢી ગામે આવેલા રેલવે કોલોનીમાંથી મળી આવેલા મૃત કાગડાઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી જ્યાંથી મૃત કાગડાઓ મળી આવ્યા છે તે જગ્યાની આસપાસ એક કિલોમીટરની ત્રિજ્યામાં કેટલાક પ્રતિબંધો ફરમાવી દીધા છે.

દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લુનો પ્રવેશ : મઢીમાં મળેલા મૃત કાગડાઓનું રિપોર્ટ પોઝિટિવ
દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લુનો પ્રવેશ : મઢીમાં મળેલા મૃત કાગડાઓનું રિપોર્ટ પોઝિટિવ

By

Published : Jan 10, 2021, 10:43 PM IST

  • 6 જાન્યુઆરીના રોજ મઢીથી ચાર કાગડા મળ્યા મૃત હાલતમાં
  • ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા હતા નમૂના
  • આજે આવેલા રિપોર્ટમાં બર્ડ ફલૂ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું

બારડોલી : ગત 6 જાન્યુઆરીએ મઢી રેલવે કોલોનીમાં ચાર કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેની પશુપાલન અને વનવિભાગને જાણ થતાં જ મૃત કાગડાઓના નમૂના લીધા હતા અને ચકાસણી માટે ભોપાલની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. રવિવારે સાંજે આવેલા રિપોર્ટમાં કાગડાઓના મોત બર્ડ ફલૂને કારણે થયા હોવાની હકીકત સામે આવી હતી. સાવચેતીના ભાગરૂપે સુરત જિલ્લા કલેકટર ડૉ. ધવલ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે અને આજુબાજુના વિસ્તારોમાં કેટલાક પ્રતિબંધો ફરમાવી દીધા છે.

મઢીમાં મળેલા મૃત કાગડાઓનું રિપોર્ટ પોઝિટિવ

સંક્રમિત પક્ષીના સીધા સંપર્કમાં આવેલા મનુષ્યને ચેપ લાગવાની સંભાવના

જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કરેલા જાહેરનામા જણાવ્યું છે કે, મઢીમાંથી મળી આવેલા મૃત કાગડાઓના સેમ્પલનું પરિણામ પોઝિટિવ ફોર એવીયન ઈંફ્લૂએન્જા વાઇરસ બાય રીયલ આરટી પીસીઆર જણાઇ આવેલ છે. આ રોગ મુખ્યત્વે પક્ષીઓમાં જોવા મળે છે અને જલ્દીથી પ્રસરી શકે છે. આ રોગ ભાગ્યે જ માણસમાં ફેલાય છે. આમ છતાં બર્ડ ફલૂ સંક્રમિત પક્ષીઓના ચેપ તેના સીધા સંપર્કમાં આવનાર મનુષ્યને લાગવાની પુરી શક્યતાને ધ્યાને લઇ સાવચેતી અને સતર્કતા રાખવી આવશ્યક છે.

મઢીમાં મળેલા મૃત કાગડાઓનું રિપોર્ટ પોઝિટિવ

પક્ષીઓમાં જોવા મળે છે આ લક્ષણો

રોગના સંક્રમણ વખતે પક્ષીઓને શ્વાસોશ્વાસ સંબંધે તથા આંખોમાં લાલાશ જેવા ચિહ્નો જણાય આવે છે. જેમાં નાકમાંથી પાણી પડવું, નબળાઈ જેવા ચિહ્નો જોવા મળે છે. આ રોગ ચેપી પક્ષીના સ્ત્રાવ, અગારના સંપર્ક તથા આવા પક્ષીના સંપર્કમાં આવેલ ખોરાક, પાણી કે, વસ્તુઓના સંપર્કથી અન્ય પક્ષીઓમાં ફેલાઇ શકે છે.

મઢી બાદ બારડોલીમાંથી પણ 15 કાગડા મૃત મળી આવ્યા

ગત 6 જાન્યુઆરીઆ રોજ મઢીથી કાગડા મૃત મળ્યા બાદ બારડોલી નગરના મેમણ કબ્રસ્તાનમાંથી પણ 15 જેટલા કાગડા મૃત મળી આવ્યા હતા. શનિવારે સાંજે પણ મઢી ગામમાંથી 5 કાગડાના મૃતદેહ મળ્યા હતા. જેને લઈને લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

મઢીમાં મળેલા મૃત કાગડાઓનું રિપોર્ટ પોઝિટિવ

અસરગ્રસ્ત વિસ્તારથી એક કિમીની ત્રિજ્યામાં કેટલાક પ્રતિબંધો લદાયા

જિલ્લા કલેકટર ડૉ. ધવલ પટેલે મઢી રેલવે કોલોનીની આજુબાજુના 1 કિમીની ત્રિજ્યામાં કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

  • અસરગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મરઘાં પાલનને લાગતી કોઈ પણ પ્રવૃત્તિ જેવી કે, ઈંડા, મરઘાં, મરઘાંની અગાર તથા મરઘાં ફાર્મની સાધન સામગ્રી અંદર અથવા બહાર લઈ જવા પર પ્રતિબંધ રહશે.
  • અસરગ્રસ્ત વિસ્તારમાં પોલ્ટ્રી ઉદ્યોગ સાથે કામ કરતા માણસોએ રક્ષણાત્મક પહેરેવેશ પહેરવાનો રહેશે. જેમ કે, ખેસ, માસ્ક, મોજા, ગમ બુટ, ડિસપોઝલ ગ્લોવઝ
  • અસરગ્રસ્ત વિસ્તારમાં અંદર કે બહાર જવાની અવરજવર અનિવાર્ય સંજોગોમાં જ કરવાની રહેશે અન્યથા પ્રતિબંધ ગણાશે.
  • અસતગ્રસ્ત વિસ્તારમાં પાણીના સંપર્કમાં બહારથી આવતા પક્ષીઓ ન આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. અસરગ્રસ્ત વિસ્તારમાં ચેપ ન લાગે તે માટેના તમામ રક્ષણાત્મક તકેદારીના પગલાં દરેકે લેવાના રહેશે.

ABOUT THE AUTHOR

...view details