- સુરતમાં પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી
- હત્યા બાદ તે પત્નીના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો અને પોલીસને જાણ કરી
- બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
સુરત : મૂળ બિહારના વતની અને હાલ 13 વર્ષથી સુરતના અશ્વની કુમાર વિસ્તારમાં 65 વર્ષીય સાધુ ચરણ કેસરી તેમની 55 વર્ષીય પત્ની દુર્ગાવતી સાથે રહેતો હતો. આ દરમિયાન પતિએ તેની જ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ તે પત્નીના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : સુરતના ઉધ વિસ્તારમાં બે યુવકોની હત્યા
પત્ની બેકાર થતાં ઝઘડો થતો હતો
હત્યારો પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાનું અને પત્નીની કમાણી પર જ નિર્ભર રહેતો હતો. જોકે લોકડાઉનને લઈને પત્ની પણ હાલ બેકાર બની હતી અને બન્ને વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા. જેમાં પતિ પત્નીને ગાળો આપતો, મારામારી કરતો હતો. એટલું જ નહીં તેણીને વતન મોકલી દેવાની ધમકીઓ પણ આપતો હતો. હત્યારો પતિ અગાઉ વોચમેન તરીકે કામ કરતો હતો. તેમ છતાં તે ઘરમાં પૈસા ન આપતો હોવાનું બહાર આવ્યું છે. વધુમાં બન્ને દંપતીને લગ્નના 35 વર્ષ થયાં છે છતાં તેઓને કોઈ સંતાન નથી.
આ પણ વાંચો : સુરતમાં સિદ્ધાર્થ રાવની હત્યાના મામલે બે આરોપી ઝડપાયા
સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી
પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે હત્યારા પતિને અટકાયત કરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.