દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હવે રાત્રે નહીં પણ દિવસમાં 8 કલાક સુધી વીજળીની સુવિધા મળી રહેશે. DGVCL દ્વારા નવું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. તેનાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અગાઉ શિડયુલ પ્રમાણે 1 અઠવાડિયું રાત્રે અને 1 અઠવાડિયું સવારે 8 કલાક વીજળી મળતી હતી.
ખેડૂત સમાજની 17 વર્ષની માગ થઇ પુરી, દિવસની 8 કલાક ખેડૂતોને મળશે વીજળી - સુરત સમાચાર
સુરત: શહેરના ખેડૂત સમાજની માગણી હતી કે, ખેડૂતોને ખેતી માટે રાતની બદલે દિવસે જ વીજળી આપવામાં આવે. તેથી ખેડૂતોને રાત્રે જે વીજળી અપાતી હતી તેના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ આ માગને સ્વીકારતા DGVCL દ્વારા નવું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. હવેથી ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી મળશે.
જેના કારણે ખેડૂતોને અનેક હાલાકીઓ ભોગવવી પડતી હતી. આખરે ખેડૂતોની માગ સરકારે સ્વીકારી લીધી છે. ખેડૂતોને દિવસે વીજળી મળી રહે એ માંગ ખેડૂતો દ્વારા છેલ્લા 17 વર્ષથી સરકાર પાસે કરવામાં આવી રહી હતી. અંતે આટલા વર્ષો પછી સરકારે ખેડૂતોની માગણી સ્વીકારી લીધી છે.
ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે, રાત્રી સમયે ખેતરમાં જવું એ ખેડૂતો માટે જીવના જોખમ સમાન હતું. રાત્રે દીપડાનો હુમલો તો બીજી બાજુ વીજ કરંટ લાગવાનો ભય ખેડૂતોને હતો. ત્યારે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. સરકારના નિર્ણય બાદ હવે ખેડૂતો સહેલાઈથી ખેતી કરી શકશે. આ નિર્ણયને ગુજરાત ખેડૂત સમાજ આવકારે છે.