સુરત: દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતું જઇ રહ્યું છે, ત્યારે તેવામાં સરકારની ગાઇડલાઇન મુજબ લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને ખૂબ સારી રીતે ફોલો કરી રહ્યાં છે, ત્યારે તેવામાં કેટલાંક લોકો અવનવા માસ્ક બનાવીને કે ખરીદીને પહેરી રહ્યાં છે. સુરતમાં જ આવા એક કપલે લગ્ન માટે ડાયમંડ વાળા માસ્ક તૈયાર કરાવ્યા છે.
શું? માસ્ક પર રિયલ ડાયમંડ... - રિયલ ડાયમંડ
કોરોના કાળમાં લગ્ન સિઝન યથાવત છે, ત્યારે દુલ્હા દુલ્હનની ડીમાન્ડ પર સુરતના એક સોની દ્વારા ડાયમંડના માસ્ક બનાવવામાં આવ્યા છે. કોરોનામાં જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર જ કાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આ માસ્કની કિંમત દોઢ લાખથી લઈને ચાર લાખ સુધીની છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર જ ચોક્કસ કપડાનો ઉપયોગ કરીને જ આ માસ્ક બનાવવામાં આવ્યા છે. આ રિયલ ડાયમંડ માસ્ક ડબલ લેયર માસ્કની સાથે N-95 માસ્કમાં પણ જોવા મળશે. આ માસ્ક ઉપર અમેરિકન ડાયમંડ અને રિયલ ડાયમંડ અલગ-અલગ ફોર્મેશનમાં લગાવવામાં આવ્યા છે. એક માસ્કમાં યલો ગોલ્ડ સાથે અમેરિકન ડાયમંડ લગાવવામાં આવ્યા છે જેની કિંમત દોઢ લાખ રૂપિયા છે અને બીજા માસ્કમાં વ્હાઈટ ગોલ્ડ સાથે રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે જેની કિંમત ચાર લાખ રૂપિયા છે. ખાસ વાત તો એ છે કે કોરોનાકાળ પૂર્ણ થયા બાદ ડાયમંડને કાપડ પરથી ઉતારીને ફરીથી તેની જવેલરી પણ બનાવી શકાય તે ફોર્મેશનમાં જ રાખવામાં આવી છે.
કે.ખુશાલદાસના દીપક ચોકસીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં કપલએ લગ્નમાં કંઈક નવું કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેમાં એક સેમ્પલ માસ્ક બનાવ્યા બાદ તેમના તરફથી કન્ફર્મેશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે માસ્ક તૈયાર કર્યા હતા. કોરોના પૂરો થયા બાદ માસ્ક પરથી આ ડાયમંડ કાઢીને તેની જવેલરી પણ બનાવી શકાય તે રીતે અને કોરોનાની દરેક ગાઈડલાઈન અનુસરીને રિયલ ડાયમંડ અને અમેરિકન ડાયમંડથી માસ્ક બનાવાયા છે. જેની કિંમત દોઢ લાખથી લઈને ચાર લાખ સુધીની છે.