પરિણીતાના આપઘાત મામલે તેના પતિ અને સાસુની ધરપકડ સુરત :જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો, આ મામલે તેના પતિ અને સાસુ સામે આપઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધાયો છે, તેમજ પોલીસે તેના પતિ અને સાસુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાનો પતિ ઓનલાઈન ગેમ રમવા માટે રૂપિયાની માંગણી કરી માર મારતો હતો, તેમજ તેણીના સાસુ અવાર-નવાર પરિણીતાને મહેણાં-ટોણાં મારતા હતા જેથી કંટાળીને પરિણીતાએ આપઘાતનું પગલું ભર્યુ હોવાનું જણાયું છે.
બ્યુટિશીયન હતી પરિણીતા: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં રહેતી વિદ્યા પટેલના લગ્ન બે વર્ષ અગાઉ સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા સુર્યદર્શન રો-હાઉસમાં રહેતા શ્રેયસ અશ્વિનભાઇ પટેલ સાથે થયા હતા. વિદ્યા સાસરીમાં રહીને ઘરેથી જ બ્યુટીપાર્લરનું કામ કરતી હતી. દરમિયાન પરિણીતાએ ગત ૧૩ ઓક્ટોબર 2023ના રોજ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.
પતિ-સાસુની ધરપકડ: આ બનાવમાં પરિણીતાના પિતા શશીકાંતભાઈએ જહાંગીરપુરા પોલીસ મથકમાં દીકરીના પતિ અને તેની સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે વિદ્યાના પતિ શ્રેયસ ઓનલાઈન ગેમ રમવા માટે રૂપિયાની માંગણી કરી માર મારતો હતો તેવો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેની સાસુ પણ અવાર નવાર મહેણાંટોણા મારતી હોવાનું નોંધાવ્યું હતું. આ બનાવમાં પરિણીતાના પિતાની ફરિયાદના આધારે જહાંગીરપુરા પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધી પરિણીતાના પતિ શ્રેયસ અશ્વિનભાઇ પટેલ અને સાસુ પ્રતિમાબેન અશ્વિનભાઇ પટેલની ધરપકડ કરી છે.
પતિ પૈસા માટે કરતો હતો મારપીટ: આ બનાવ અંગે એસીપી આર.પી.ઝાલાએ જણાવ્યું હતું કે, પરિણીતાએ 13 ઓક્ટોબરના રોજ સાસરીમાં આપઘાત કરી લીધો હતો, યુવતીના બે વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયાં હતાં. યુવતીના પતિ ઓનલાઈન ગેમ રમતા હતા જેમાં તેઓને દેવું થઇ જતા તેનો પતિ આર્થિક સંકડામણમાં આવી ગયો હતો અને તે તેની પત્ની પાસે અવાર નવાર પૈસાની માંગણી કરતો હતો. આ ઉપરાંત તેણીના સાસુ પણ અવાર નવાર આ બાબતે મહેણાં-ટોણા મારતા હતા. આ સમગ્ર મામલે યુવતીના પિતાની ફરિયાદના આધારે પતિ અને સાસુની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- Surat Crime News: JCBથી ઓફિસને ભોંયભેગી કરીને કાટમાળ, ફર્નિચર, પતરાની લૂંટ ચલાવી
- Surat Crime : ગર્ભ પરીક્ષણ મુદ્દે વૃદ્ધ ડોક્ટરને બ્લેકમેઇલ કરી ખંડણીના પ્રકરણમાં એક વર્ષથી ભાગેડુ મહિલા આરોપીની ધરપકડ