સુરત: શહેરમાં એક સુખદ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જેમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી ડાયમંડ કંપનીએ કોઈ બોલિવૂડ સ્ટાર અથવા સેલિબ્રિટીને નહીંં, પરંતુ ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને પોતાની કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.
કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીએ સુરતના હેડ કોન્સ્ટેબલને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર
સુરતની કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી ડાયમંડ કંપનીએ કોઈ બોલિવૂડ સ્ટાર અથવા સેલિબ્રિટીને નહીં, પરંતુ ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને પોતાની કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા સુરત પોલીસનું ગૌરવ વધ્યું છે.
ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલનો ફિલ્મી ડાયલોગ બોલીને લોકોને લોકડાઉન પાળવાની અપીલ કરતો વીડિયો દેશભરમાં વાઇરલ થયો છે. જેમાં તે લોકડાઉન દરમિયાન એકઠી થયેલી ભીડને છુટી કરવા માટે "તોડ દેગે તુમ્હારા શરીર કા હર એક કોના , લેકિન નહિ હોને દેગે તુમકો કોરોના " આ પ્રમાણેનો ફિલ્મી ડાયલોગવાળો ટિકટોક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાઇરલ થતા તેને દેશભરમાંથી પ્રતિસાદ મળ્યો હતો.
આ વીડિયોની નોંધ ફિલ્મજગતની હસ્તીઓ તેમજ નેતાઓએ પણ લીધી હતી અને હવે કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ કંપનીએ લોકહિત માટે તેમજ કોરોના વોરિયર્સનું બલિદાન લોકો સુધી પહોચે તે માટે તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.