16મી સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકારના ટ્રાફિક નિયમન સુધારા કાયદાનો રાજ્યભરના શહેરોમાં અમલીકરણ શરૂ થયું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ટ્રાફિકના નવા નિયમોના ભંગ બદલ વાહનચાલકો પાસેથી પોલીસ દ્વારા આકરા દંડની વસૂલાત કરવામાં આવી છે. જેની સામે કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
નવા ટ્રાફિક કાયદાના વિરોધ કરનાર કોંગ્રેસના 15 કાર્યકરોની અટકાયત કરાઇ
સુરત: નવા ટ્રાફિકના નિયમો સામે વાહન ચાલકો પાસે ઉઘરાવવામાં આવેલા આકરા દંડને લઈ સુરત કોંગ્રેસ દ્વારા ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શન યોજી સરકાર વિરોધી નારા લગાવવામાં આવ્યા હતાં. કોંગ્રેસ દ્વારા કાર્યક્રમની પોલીસ પરવાનગી ન લેવામાં આવતા પંદરથી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત અઠવા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે ટ્રાફિકના નવા નિયમોમાં જો સુધારો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
સુરત કોંગ્રેસ દ્વારા ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે ઘરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધી નારા લગાવ્યા હતા અને પ્રજા પાસે ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ બંધ કરવામાં આવે તેવી માગ કરી હતી. પોલીસ પરવાનગી વગર કાર્યક્રમ કરતા 15થી વધુ કાર્યકરો અને વિપક્ષી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર પ્રજા પાસેથી ટ્રાફિકના નવા નિયમોના બહાને ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. જો પ્રજા પાસેથી ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન પણ કરશે.