તંત્રની બેદરકારી, ઈડરમાં શાળા પ્રવેશોત્સવની સાયકલો પાણીમાં ગરકાવ
ઈડર: સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જોકે ઠીક આ સમય જ વહીવટી તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે. જેમાં 2019ના પ્રવેશોત્સવ માટે સરકારે ફાળવેલી સાયકલો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જેના પગલે આગામી સમયમાં બાલિકાઓને આપવામાં આવનારી સાયકલ કેટલી યોગ્ય રહેશે તે પણ એક સવાલ ઉભો થયો છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ આઠ પાસ કરી ધોરણ 9માં જનારી તમામ કન્યાઓને સાયકલ આપવામાં આવે છે, જે થકી નજીકના વિસ્તારોમાં અપડાઉન કરતી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તેમજ અવર-જવર માટે સહાયક બની શકે તેવા ઉદ્દેશથી સાઇકલ ફાળવવામાં આવે છે. જોકે હાલમાં વરસાદને પગલે ઇડર તાલુકામાં આવેલી એક શાળામાં ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી તમામ સાઇકલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જેના પગલે સાયકલમાં ખરાબી આવી શકે છે લોખંડની બનાવટની આ સાયકલમાં પાણીના પગલે કાટ આવતા આગામી સમયમાં તમામ સાયકલ નિરર્થક સાબિત થઈ શકે છે.જોકે આટલો વરસાદ થવા છતાં વહીવટી પ્રશાસન દ્વારા લાખ રૂપિયાની સાઈકલ જાણે કે બગાડવા માટે જ મૂકાઇ હોય તેમ હજુ સુધી કોઇ પગલા લેવામાં આવતા નથી, તેમ જ સ્થાનિક અધિકારીઓએ મૌન સેવી રહ્યા છે.