- સાબરકાંઠાના હિંમતનગરની સિમ્સ હોસ્પિટલનો બનાવ
- ઓક્સિજન ખુટી જતા દર્દીઓ મૂકાયા વિમાસણમાં
- તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં કરાયા ટ્રાન્સફર
સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગરમાં આવેલી સિમ્સ હોસ્પિટલમાં 8 એપ્રિલે અચાનક ઓક્સિજન પૂરો થઇ જતાં દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં મૂકાયા હતા. જોકે તાત્કાલિક ધોરણે તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવાતા પરિસ્થિતિ કંટ્રોલ બની હતી, સાથોસાથ વહીવટીતંત્રની આરોગ્ય ટીમ પણ તાત્કાલિક ધોરણે દોડી આવી હતી. જોકે સિમ્સ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવતા દર્દીઓ સહિત પરિવારજનો પણ હોસ્પિટલ સામે રોષ ભભૂકી ઉઠયા છે.
આ પણ વાંચો:પાટણ સિવિલમાં યુવાનનો રિપોર્ટ નેગેટિવ અને ધારપુર સિવિલમાં પોઝિટિવ
દર્દીઓની સારવાર દરમિયાન અચાનક ઓક્સિજન પૂરો થઈ ગયો
હાલમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે તમામ દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાય ખૂબ મહત્વનો બની રહે છે. જોકે હિંમતનગરની સિમ્સ હોસ્પિટલમાં અચાનક ઓક્સિજન લેવલ ઘટી જતા તમામ દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં મૂકાયા હતા. એક તરફ સિમ્સ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટેની સારવાર ચાલી રહી છે, સાથોસાથ અન્ય ગંભીર દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. દર્દીઓ સહિત પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો.
સિમ્સ હોસ્પિટલની ગંભીર બેદરકારી
તાત્કાલિક ધોરણે તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની પરિસ્થિતિ પેદા થતા હિંમતનગરની 5 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરી હતી. જેના પગલે તમામ દર્દીઓ હાલમાં સ્વસ્થ છે. જોકે એક તબક્કે વહીવટીતંત્રની આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે દર્દીઓ સહિત પરિવારજનોએ હોસ્પિટલના તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. તેમજ ગંભીર બેદરકારી માટે નક્કર પગલાં લેવા રજૂઆત કરી છે, સાથોસાથ સામાન્ય સારવાર માટે લાખો રૂપિયાના બિલ ઉઘરાવનારી સિમ્સ હોસ્પિટલની ગંભીર બેદરકારી માટે દંડનીય કાર્યવાહી થાય તેવી પણ સ્થાનિકો અપેક્ષા રાખી રહ્યા છે.