જિલ્લામાં છેલ્લા બે દિવસથી સરહદી વિસ્તારમાં તીડ લાખો ખેડૂતો માટે આફતરૂપ બન્યા હતા તેમજ આજે વહેલી સવારે સાબરકાંઠા જિલ્લામાં કરોડોની સંખ્યામાં પ્રવેશતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું.
સાબરકાંઠામાં ખેડૂત અને તંત્રએ લીધો રાહતનો શ્વાસ, તીડ રાજસ્થાન તરફ ફંટાયા
સાબરકાંઠા: જિલ્લામાં આજે સવારથી જ બનાસકાંઠા તરફથી કરોડોની સંખ્યામાં તીડ સાબરકાંઠામાં પ્રવેશી ચૂક્યા હતા. જો કે બપોર બાદ વાતાવરણ તેમજ પવનની દિશા બદલાતાં તીડનો એક મોટો સમૂહ રાજસ્થાન તરફ ફંટાતા સાબરકાંઠા જિલ્લા કલેકટર સહિત લાખો ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
ખેડબ્રહ્મા તેમજ પોશીના વિસ્તારના સરહદી ગામડાઓમાં સ્ટાફ દ્વારા તીડને મારવા માટે દવાનો છટકાવ પણ શરૂ કરાવ્યો હતો. જો કે કરોડોની સંખ્યામાં ઉડીને આવેલા તીડ રોકવા વહીવટીતંત્ર માટે પણ અશક્ય હતુ. જોકે સાબરકાંઠા જિલ્લાના કિસાનો માટે બપોર બાદ પવન બદલાતા તીડ આગળ વધતા અટકાવ્યા હતા તેમજ રાજસ્થાન તરફ ફંટાતા ખેડૂતો સહિત સાબરકાંઠા પ્રશાસન તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે પવનની દિશા આગામી સમયમાં ફરીથી સાબરકાંઠા જિલ્લા તરફ ફંટાય તો તીડ પરત ફરી શકે છે, ત્યારે વહીવટીતંત્રએ સ્ટેન્ડ બાય રહેવું પડી શકે તેમ છે.