ગત ચોમાસામાં બનાસકાંઠામાં નહિવત વરસાદ પડવાના કારણે ઉનાળાની સિઝનમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. ખાસ કરીને રણને અડીને આવેલા ગામોની હાલત ખૂબ જ ખરાબ છે. વાવ, સુઇગામ અને થરાદના ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા અત્યારથી જ દેખાવા લાગી છે. ત્યારે વૈશાખ અને જેઠ મહિનામાં આ ગ્રામજનોની શું હાલત થશે તે જોઈ અત્યારથી જ કાળજુ કંપી ઊઠે છે.
પાણીનો પોકાર: સાબરના વહેતા પાણીએ કાંઠો તરસ્યો, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
બનાસકાંઠાઃ અતરિયાળ ગામોના લોકો ભર ઉનાળે પીવા માટે પાણીના વલખા મારી રહ્યા છે. વાવ તાલુકાના લુદ્રાણી, રાછેણા, માવસરી, ભરડવા, ચોથાર નેસડા, સહિતના ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. જોકે આ ગામના લોકો પશુઓ પણ ન પીવે તેવું પાણી પીને દિવસો કાઢી રહ્યા છે.
વાવ, થરાદ અને સુઇગામ તાલુકાના 30થી વધુ ગામો હાલ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. વાવ તાલુકાના લુદ્રાણી અને રાછેના ગામોની મુલાકાત લેતા છેલ્લા દસ દિવસથી ગામમાં પાણી આવતું નથી. મહિલાઓ અને બાળકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ગામમાં આવેલા સંપમાંથી રસ્સા વડે ડોલ બાંધીને પાણી ખેંચવા મજબૂર બની રહ્યા છે. પાણી પણ એકદમ ગંદુ અને પશુઓ પણ ન પીવે તેવું પાણી પીવા માટે સરહદી વિસ્તારના લોકો મજબૂર છે.
આ વિસ્તારના લોકો વર્ષોથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. લોકો તો ગમે એમ કરી પાણી મેળવી લે છે. પરંતુ પશુઓની હાલત ખૂબ જ દયનીય બની છે. સરકાર દ્વારા હજુ જો તાત્કાલિક આ વિસ્તારના ગામોમાં પાણીની વ્યવસ્થા નહીં કરાય તો હજારો પશુધન મોતના મુખમાં ધકેલાઈ જશે.