રાજકોટમાં વંદેભારત ટ્રેન પર પથ્થરમારો રાજકોટ: ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે રાજકોટના પ્રવાસે હતા. જ્યારે તેઓ જે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા એ જ ટ્રેન ઉપર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં વંદે ભારત ટ્રેનનાC4- C5કોચને નુકસાન થયું હતું. જોકે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી. રાજકોટની ભાગોળે આવેલા બિલેશ્વર ખાતે આ પ્રકારની ઘટના સર્જાઇ હતી, આ મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટની ભાગોળે આવેલા બિલેશ્વર ખાતે બની ઘટના 'રાજકોટ ડિવિઝનમાં હાલ જે વંદેભારત ટ્રેન શરૂ છે. તે ટ્રેન ગઈકાલે રાત્રિના અંદાજિત 10 વાગ્યે બિલેશ્વરથી રાજકોટ તરફ આવી રહી હતી. જે રાજકોટથી માત્ર ચાર કિલોમીટર દૂર હતી, ત્યારે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા સામાન્ય પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટનામાં મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રેનના C4- C5 કોચની બારીમાં સામાન્ય તિરાડ પડી છે. આ ઘટના બાદ તાત્કાલિક એક ટીમને ઘટના સ્થળે મોકલવામાં હતી. - પવન શ્રીવાસ્તવ, સુરક્ષા અધિકારી, રેલવે વિભાગ
રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ:રેલવે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમારું એવું પ્રાથમિક અનુમાન છે કે રાજકોટ-બિલેશ્વર વચ્ચે ઘણી બધી ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. જ્યાં નાના બાળકો રમતા હોય છે અને આ બાળકો ક્યારેક ટ્રેન આવતી હોય તેના પર પથ્થર ફેંકતા હોય છે. અમારી ટીમ દ્વારા આ વિસ્તારમાં દર વર્ષે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. વંદેભારત ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટના મામલે રેલવે પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને અમારી ટીમ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે જે ટ્રેનમાં ગૃહ મંત્રી સંઘવી રાજકોટ આવી રહ્યા હતા તે જ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થવાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. હર્ષ સંઘવી વંદેભારત ટ્રેનમાં રાજકોટ આવ્યા બાદ એસટી બસ મારફતે ફરી અમદાવાદ ખાતે જવા રવાના થયા હતા.
- નવસારી-બારડોલી મુખ્ય માર્ગને પહોળો કરવાની કવાયત, તંત્રની ડિમોલીશન કામગીરીથી માહોલ ગરમાયો
- ડભોઈ એસ.ટી. ડેપોની બેદરકારી આવી સામે, વિદ્યાર્થીઓને સમયસર નથી મળી રહ્યા બસ પાસ