વૃક્ષો જમીનદોસ્ત થતા રેલ વ્યવહારને અસર રાજકોટઃરાજકોટના ધોરાજી-ઉપલેટા પંથકની અંદર અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા ચારેય બાજુ ભીનાશ છવાઈ ગઈ હતી. જેમાં થોડી જ વારની અંદર ભારે પવન અને વરસાદે વાવાઝોડા જેવું સ્વરૂપ ધારણ કરી લેતા તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. શુક્રવારે બપોર બાદ રાજકોટ જિલ્લાના ધોરાજી તેમજ ઉપલેટા પંથકની અંદર અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
આ પણ વાંચોઃ Meteorological Department News : રાજ્યમાં ગરમીનો પારો વધવાની સાથે માવઠાની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ જૂઓ
ભારે નુકસાની થઈઃવરસાદ પહેલા ભારે પવન શરૂ થયો હતો. એ પછી અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ધોધમાર પવન સાથે પડી રહેલા વરસાદે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું હતુ. ભારે પવન સાથે પડેલા વરસાદે ઉપલેટા તેમજ ધોરાજી પંથકની અંદર નુકસાની કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં માર્કેટિંગ યાર્ડમાં જણસી પલડી ગઈ હતી. ઉપલેટા તેમજ આસપાસના પંથકોની અંદર વૃક્ષ ધરાશાઈ થયા હોવાની ઘટના બની હતી. જેના કારણે રસ્તાઓ અને રેલમાર્ગો પણ બંધ થયા હોવાનું એક રીપોર્ટમાંથી જાણવા મળે છે.
રેલવે ટ્રેક પર વૃક્ષઃવર્તમાન સમયમાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસની અંદર 40 ડિગ્રી આસપાસનું તાપમાન જોવા મળી રહ્યું છે. ઉનાળાના આ કપરા સમયની અંદર અચાનક જ ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદ શરૂ થતા ઉપલેટા શહેરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વૃક્ષોને ધરાશાઈ થયા હતા. આ સાથે રેલ્વે ટ્રેક ઉપર પણ વૃક્ષો ધરાશાઇ થયા હતા.
આ પણ વાંચોઃ Unseasonal Rain: ભરઉનાળે રાજકોટના રસ્તા થયા પાણીપાણી, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
ટ્રેન વ્યવહારને અસરઃસુપેડી-ઉપલેટા વચ્ચે તેમજ ઉપલેટા-ભાયાવદર વચ્ચેના રેલવે ટ્રેક ઉપર વૃક્ષ પડતા ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.ઉપલેટા તેમજ ધોરાજી પંથકની અંદર પડેલા વરસાદે કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને માર્કેટિંગ યાર્ડ પડી રહેલું અનાજ વરસાદી પાણીથી બગડી ગયું હતું. નાગનાથ ચોક પાસે બે વૃક્ષ, રેલવે સ્ટેશન પાસે એક વૃક્ષ, બાવલા ચોક પાસે એક વૃક્ષ તેમજ સેવંત્રા-સુપેડી રોડ પર વૃક્ષ પડ્યા હોવાની ઘટના બની હતી. આ ઘટના અંગે તંત્રને જાણ થતા યુદ્ધના ધોરણે ટીમ રવાના કરાઈ હતી.
દૂર કરવાની કામગીરીઃ આ ઘટના બાદ ઉપલેટા નગરપાલિકા તંત્રને જાણ થતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વૃક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. બીજી તરફ રેલવે ટ્રેક પર વૃક્ષ પડતાં રેલવે કર્મચારીઓએ પણ તાત્કાલિક અસરથી વૃક્ષને દૂર કરવાની કામગીરી કર્યા બાદ પ્રભાવિત થયેલી રાજકોટ-પોરબંદર તેમજ સોમનાથ-પોરબંદર રૂટની બન્ને ટ્રેનોને પોતાના નિર્ધારિત સ્થાન જવા માટે રવાના કરી હતી.