રાજકોટ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા રાજકોટ હિરાસર ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી ટૂંક સમયમાં જ આ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે રાજકોટ હીરાસર એરપોર્ટના વખાણ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યા હતા. આ અંગે કેન્દ્રીય પ્રધાને ટ્વિટર ઉપર હિરાસર એરપોર્ટના ફોટાઓ મૂક્યા હતા. આ પ્રકારનું ટ્વીટ કરતા ફરી એક વખત હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ ચર્ચામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ એરપોર્ટનું લગભગ 80%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા હિરાસર એરપોર્ટનું લોકાર્પણ થાય તેવી પૂરેપૂરી શક્યતા પણ છે.
કેન્દ્રીય પ્રધાને શું કહ્યું: કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર પર હીરાસર એરપોર્ટ અંગે એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમને લખ્યું છે કે ગુજરાતના રાજકોટમાં નિર્માણ પામી રહેલા હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વનું પરિણામ છે. 23,000 વર્ગ મીટરમાં ફેલાયેલ ટર્મિનલ ભવન, તેમજ 3040 મીટર લાંબો રનવે અને સમગ્ર એરપોર્ટ રૂ. 1450 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ એરપોર્ટના નિર્માણ બાદ રાજ્યમાં આવવા જવાની સુવિધાઓમાં વધારો થશે. તેમજ આસપાસના વિસ્તારોમાં વિકાસ થશે અને રોજગારીની તકો પણ વધશે.