રાજકોટઃ ગોંડલ અક્ષરધામ સોસાયટીમાં અમદાવાદથી આવેલા વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા અક્ષરધામ સોસાયટીને પત્ર બંધ કરી દેવાતાં આશરે 37 પરિવાર ઘરમાં કેદ થયા છે.
ગોંડલમાં વૃદ્ધ દંપતીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર વિસ્તારને સીલ કરાયો
ગોંડલ અક્ષરધામ સોસાયટીમાં અમદાવાદથી આવેલા વૃદ્ધ દંપતી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર વિસ્તારને બંધ કરવામાં આવ્યો છે.
લોકડાઉનના સમયમાં અમદાવાદમાં ફસાયેલા ગોંડલના વૃદ્ધ અરવિંદભાઈ માંડલીયા અને તેમના પત્ની ઉષાબેન બે દિવસ પહેલા ગોંડલ આવ્યા હતાં. જેથી તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાં તે બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં છે. પોલીસ પ્રશાસન અને મેડિકલ સ્ટાફે તકેદારીના ભાગરૂપે અક્ષરધામ સોસાયટીના વૃદ્ધ દંપતી રહેતા હતા તે શેરીને બંને સાઇડ છ ફૂટના પતરા લગાવી બંધ કરી છે.
આ શેરીમાં આશરે 37 ઘરમાં 140 લોકો વસવાટ કરી રહ્યાં છે, આ તમામ લોકોને 14 દિવસ ઘરબંધીમાં જ રહેવું ફરજિયાત કર્યુ છે. આ ઉપરાંત શેરીની બહાર પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ શેરીમાં રહેતા તલાટી મંત્રી તેમજ મેડિકલ સ્ટોરમાં કામ કરતા લોકોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.