રાજકોટ જિલ્લામાં વારંવાર ખેડૂતો દ્વારા સરકારને ચેકડેમ તળાવો ઊંડા કરી રીપેર કરવાની રજુઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આ રજુઆતોને લઈ આંખ આડા કાન કરવામાં આવતા હતા. જેથી પડધરી તાલુકાના મોટા ખીજડિયા ગામના લોકાએ ભારતીય કિસાન સંઘ અને અન્ય ટ્રસ્ટીઓની આર્થિક મદદ લઈને જાત મહેનત જિંદાબાદથી ગામના ચેકડેમ અને તળાવને ઊંડા કરવાની કામગીરી શરૂ કરી છે.
'જાત મહેનત જિંદાબાદ' ગ્રામજનો જાતે ચેકડેમ બનાવવાનું કામ શરૂ કર્યું - Goverment
રાજકોટ: 'જાત મહેનત જિંદાબાદ' આ કહેવત આપણા વડવાઓ કહી ગયા છે. ત્યારે વર્તમાનમાં આ કહેવતને ખરેખર સાર્થક કરી છે પડધરીના મોટા ખીજડીયા ગામના લોકોએ. જેમણે સરકારની આર્થિક મદદ વગર જ ગામના ચેકડેમ અને તળાવને ઊંડા કરવાની જેહમત ઊઠાવી છે.
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને માંડ પીવાનું પાણી મળે છે, ત્યારે મોટાભાગના ખેડૂતો પણ વરસાદ પર આધારિત ખેતી કરે છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કિસાન સંઘ ખેડૂતોને સાથે રાખીને તંત્રને રજુઆત કરી રહ્યું છે કે, ગામમાં આવેલ ચેકડેમ અને તળાવોને રીપેરીંગ કરીને ઊંડા કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે.
બીજી તરફ ચોમાસાની શરુઆત થઈ ગઇ છે જેને લઈને ખેડૂતોમાં પણ પાણીને લઈને ઘણા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં ખેડૂતો દ્વારા સ્વયંભૂ જે તે દાતાઓની આર્થિક મદદ લઈને ચેકડેમ, તળાવને ઊંડા કરી રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને ખુબજ પ્રોત્સાહન મળી રહ્યું છે. ગ્રામજનો દ્વારા ઓછામાં ઓછા ખર્ચે વધુ સારી કામગીરી થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને આ વર્ષે વરસાદ સારો થશે તો, ગામની પાણી સમસ્યાનો ઉકેલ આવી જશે.