રાજકોટ: સૌરાષ્ટનું પાટનગર એવા રંગીલા રાજકોટમાં હવે હત્યાના બનાવો સામાન્ય બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા ઈંડાની લારી ચલાવતા યુવાનની પૈસા મામલે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી એક આઠ વર્ષની બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. હત્યા કરાયેલી બાળકની એક દિવસ પહેલા જ ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બાળકી સાથે કોઈ દુષ્કર્મની ઘટના બની છે કે કેમ તે માટે FSLની મદદ લેવામાં આવી છે. બાળકીની લાશનું ફોરેન્સિક પીએમ કર્યા બાદ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરાશે.
માથું છુંદાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ:શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 8 વર્ષની બાળકી ગઈકાલે ગુમ થઈ હતી. આ મામલે રાજકોટના માલવિયાનગર પોલીસ મથકમાં બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. એવામાં આ ગુમ થયેલી બાળકીની લાશ ભક્તિનગર સ્ટેશન વિસ્તારમાં અવાવરું જગ્યાએ માથું છુંદાયેલી હાલતમાં મળી આવી છે. પોલીસ દ્વારા ગુમ થયેલી બાળકીના પરિવારજનોને પણ લાશની ઓળખ કરતાં સ્વીકાર્યું હતું કે આ મૃત બાળકી તેમની છે. સમગ્ર મામલે પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે.
'ભક્તિનગર રેલવે સ્ટેશનના યાર્ડ નજીકથી એક બાળકીની લાશ મળી આવી હતી. એક મહિલા દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે ગઈકાલે રાત્રિના આઠ વાગ્યા પછી બાળકી ગુમ થઈ હતી અને સવારમાં માલવીયાનગર પોલીસ મથકમાં આ બાળકીના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ આ બાળકીની ઓળખાણ તેના પિતા દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ પોલીસ દ્વારા પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. - રાજુ ભાર્ગવ, પોલીસ કમિશ્નર, રાજકોટ
ગઈકાલે રાતે બાળકી થઈ હતી ગુમ: પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે હાલ બાળકીના પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે સાથે તેના ભાઈ-બહેનોની પણ પૂછપરછમાં કરવામાં આવી રહી છે. પોલીસને આ મામલે હજુ સુધી કોઈ પર શંકા સામે આવી નથી. બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે અંગે કમિશનરે જણાવ્યું હતું કે હાલ પ્રાથમિક તપાસમાં એવી કોઈ બાબત સામે આવી નથી પરંતુ બાળકીનું માથું છુંદીને તેની હત્યા કરવામાં આવી છે. જેના કારણે પીએમની કાર્યવાહી શરૂ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુમ થયેલી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આ બાળકી એક શંકાસ્પદ શખ્સ સાથે જઈ રહી હોય તેવા સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
- Surat Crime : સુરતમાં 5 વર્ષની બાળકીની હત્યા કે દુષ્કર્મ, પોલિસ અને હોસ્પિટલના નિવેદનો છે અલગ
- Rajkot Crime News : જેતપુરમાં બાળકીની કોથળામાંથી લાશ મળી, હત્યા અને દુષ્કર્મની આશંકા સાથે સીસીટીવીના આધારે તપાસ શરૂ