રાજકોટ:રાજકોટની ભાગોળે આવેલા કણકોટ ગામ નજીક મફતીયા પરામાં રહેતા માલદેભાઇ કરસનભાઈ પાંડાવદરા નામના આધેડ પર તેના જ જમાઈ દ્વારા કાર ચલાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં માલદેભાઈ હેમખેમ બચી ગયા હતા પરંતુ તેમને ઇજાઓ થતા તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જમાઈ દ્વારા સસરા ઉપર કાર ચલાવવાની ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. જેના આધારે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે પોલીસે જમાઈ સહિત ચાર લોકો વિરોધ ગુનો નોંધી તેમને શોધખોળ હાથ ધરી છે.
શું બની ઘટના?: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કણકોટ ગામે રહેતા માલદેભાઈ કરસનભાઈ પાંડાવદરાની દીકરી જામનગર સાસરે છે. જામનગરમાં દીકરીને જમાઈ સાથે માથાકૂટ થઈ હોય તેને લઈને છેલ્લા પાંચ મહિનાથી તે પોતાના બે સંતાનો સાથે પિતાના ઘરે કણકોટ ગામે રહેતી હતી. ગત તારીખ 8ના રોજ માલદેભાઈનો જમાઈ હિતેશ ચાવડા સહિત તેના ચાર જેટલા મિત્રો કણકોટ ખાતે આવ્યા હતા. તેમજ પુત્રી પાસે રહેલા સંતાનોને છીનવી લઈને જમાઈ દ્વારા દીકરી સહિતના લોકોને માર કરવામાં આવ્યો હતો અને માથાકૂટ કરવામાં આવી હતી. આ માથાકૂટ રોકવા જતા હિતેશના સસરા એવા માલદે ભાઈ પર જમાઈ હિતેશ ચાવડાએ કાર ચડાવી હતી. તેઓ કાર નીચે સૂઈ જતા તેમને માત્ર ઈજાઓ થઈ હતી.