રાજકોટ: રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજકોટમાં આજ સુધીમાં કુલ 471 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં રાજકોટ સીટીના 345 સેમ્પલ પૈકી 17 પોઝીટીવ, 328 નેગેટિવ, રાજકોટ ગ્રામ્યના 77 સેમ્પલ પૈકી 1 પોઝિટિવ અને 76 નેગેટિવ જયારે અન્ય જિલ્લાના 49 સેમ્પલ પૈકી 1 પોઝિટિવ, 47 નેગેટિવ અને 1સેમ્પલનું પરિણામ હાલ બાકી છે.
હાલ રાજકોટની સરકારી હોસ્પિટલમાં 10 તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં 3 મળી કુલ 13 દર્દી આઇસોલેટેડ કરવામાં આવ્યા છે. જેમાં સરકારી હોસ્પિટલમાં 9 પોઝિટિવ, 1 પેન્ડિંગ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં 3 પોઝિટિવ દર્દીઓને આઇસોલેશન રાખવામાં આવ્યા છે.
બીજી તરફ જામનગર રોડ પર આવેલા પથિકા આશ્રમે 55 તેમજ ત્રિમૂર્તિ મંદિર કુવાડવા રોડ ખાતે 2 મળી કુલ 57 લોકોને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે. જયારે હોમ ક્વોરૅન્ટીન હેઠળ રાજકોટ ગ્રામ્યમાં 365, રાજકોટ સિટીમાં 1485 લોકોનો ઇન્ક્યુબેશન સમય પૂર્ણ થયેલો છે. જયારે રાજકોટમાં 8 લોકો હાલ ઓબ્ઝર્વેશન હેઠળ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજકોટમાં તારીખ 10 અને 11 ના રોજ કુલ 73 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 72 નેગેટિવ અને 1 નું પરિણામ બાકી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 18 કોરોનાના કેસ જોવા મળ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્યનો એક કેસ છે.