દેશમાં યોજાનાર 2019ની ચૂંટણી દરમિયાન માર્કેટમાં એક નવો ક્રેઝ સામે આવ્યો છે અને જે તમને જોતા નવાઇ લાગશે. આ વર્ષે લોકો દ્વારા પીએમ મોદીના ફોટો વાળી વીંટીની માંગ જોવા મળી રહી છે. રાજકોટના એક સોની વેપારીને પીએમ મોદી અને ભાજપના લોગો વાળી 5 હજાર જેટલી વીંટી બનાવવાનો ઓર્ડર મળ્યો હતો.
દેશમાં "મોદી-વીંટી"ની બોલબાલા, રાજકોટના વેપારીએ બનાવી 5000 વીંટી
રાજકોટઃ રાજકોટના સોની વેપારીએ મોદી અને ભાજપના ફોટાવાળી વીંટીઓ બનાવી છે. જે સમગ્ર ચૂંટણી દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજકોટના તન્વી ગોલ્ડ કાસ્ટ નામની પેઢીએ ભારતના અલગ-અલગ રાજ્યમાંથી મોદી અને ભાજપના લોગો વાળી વીંટી બનાવવાનો ઓર્ડર મળ્યો છે. જેને લઈને રાજકોટના સોની બજારમાં આ પ્રકારની કુલ 5 હજાર જેટલી વીંટી બનાવવામાં આવી છે. જેની ડિલિવરી પણ થઈ ગઈ છે.
રાજકોટની પેઢી દ્વારા સોના ચાંદીની વીંટીઓ બનાવીને ભારતભરમાં ડિલિવરી પણ કરી દેવામાં આવી છે. હાલ આ વીંટીને ચાંદીમાં 4થી 6 ગ્રામ અને સોનામાં 2થી 6 ગ્રામ સુધીની તૈયાર કરવામાં આવી છે. આ વીંટીની કિંમત 10,000 કરતા વધારે છે. જ્યારે ચાંદીની વીંટીની કિંમત 1000થી 1500 રૂપિયા સુધીની છે. રાજકોટમાં બનાવાયેલ મોદી વીંટીને બનાવવામાં અંદાજિત એક અઠવાડિયા જેટલો સમય લાગે છે. રાજકોટમાં તૈયાર થયેલ મોદી વીંટી હાલ દેશમાં ઠેર ઠેર જઈ રહી છે. જેનો ગ્રાહકો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.