શિક્ષકોની માગણી શી છે જૂઓ રાજકોટ : રાજકોટના બહુમાળી ચોક ખાતે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો દ્વારા આજે મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની વિવિધ માગણીઓ છે. જેને લઇને આ અંગે વારંવાર શિક્ષકો દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ સરકાર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ કાર્યવાહી ન કરવામાં આવતા આજે ગ્રાન્ટેડ શાળાના વિવિધ વિભાગના શિક્ષકો દ્વારા મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. શિક્ષકોએ ધરણા સાથે વિવિધ પ્લે કાર્ડ પણ દર્શાવ્યા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત : આ અંગે ધરણા ઉપર બેસેલા શિક્ષક એવા વિનોદભાઈ ગજેરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો દ્વારા આજે બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી એટલે કે ત્રણ કલાક સુધી મૌન ધરણા વિવિધ જિલ્લાઓમાં યોજવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજકોટમાં બહુમાળી ચોક ખાતે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ આજે મૌન ધરણા યોજ્યા હતા. જ્યારે સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા અમારા કેટલાક પ્રશ્નો સ્વીકારવામાં આવ્યા છે પરંતુ આ પ્રશ્નો અંગેના ઠરાવો અને પરિપત્રો હજુ સુધી થયા નથી.
અમારા મુખ્ય પ્રશ્નોની વાત કરવામાં આવે તો રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓને બચાવવામાં આવે. તેમજ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. ગ્રાન્ટેડ શાળાઓમાં બિન શૈક્ષણિક સ્ટાફની પણ તાત્કાલિક ભરતી કરવામાં આવે અને ઓલ્ડ પેન્શન યોજના પણ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને આપવામાં આવે તેવા વિવિધ પ્રશ્નોની અમારી માગણી છે. જ્યારે સરકાર દ્વારા આ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી છે પરંતુ હજુ સુધી તે માટેનો પરિપત્ર કરવામાં આવ્યો નથી...વિનોદભાઈ ગજેરા(શિક્ષક)
સરકાર દ્વારા તાત્કાલિક પરિપત્ર કરવામાં આવે :શિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી અમારી આ માગણીઓ છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા આ તમામ માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી, પરંતુ આ માંગણીઓના ઠરાવો અને પરિપત્રો હજુ સુધી સરકાર દ્વારા કરવામાં આવ્યા નથી. જ્યારે હજુ પણ જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે આ આંદોલન જારી રાખીશું.
કાળો પહેરવેશ ધારણ કરાશે : પરિપત્રની માગણી સાથે શિક્ષકો દ્વારા આવતા અઠવાડિયાથી સોમવારથી શનિવાર સુધી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને કર્મચારીઓ કાળો પહેરવેશ ધારણ કરીને પોતાનું શિક્ષણ કાર્ય કરશે. ઉલ્લેખનીય છે કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો દ્વારા શહેરના બહુમાળી ચોક ખાતે આજે મૌન ધરણા યોજવામાં આવ્યા હતા તેમજ પ્લે કાર્ડ પણ દર્શાવવામાં આવ્યા હતાં.
- Vadodara News : વડોદરા આચાર્ય સંઘ નવ મુદ્દાઓને લઈ કલેકટર કચેરીએ પહોચ્યું, શિક્ષકોની ભરતીને લઈને કરી રજૂઆત
- Teacher Transfer Camp : કચ્છ જિલ્લામાં 1652 શિક્ષકોની છે ઘટ, તો કેટલાક શિક્ષકોની આંતરિક બદલી થઈ
- પ્રવાસી શિક્ષકોના પગારના ઠાગાઠૈયા, 1લી તારીખે પણ એમના ખિસ્સાખાલી