રાજકોટ : ગણેશ ચતુર્થીના મહોત્સવને લઈને હવે બસ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ મહોત્સવની દેશભરમાં અલગ અલગ રીતે ઉજવણી થતી હોય છે. એવામાં સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં પણ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં દર વર્ષે પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં મૂર્તિકારો આવી જતા હોય છે અને છ મહિના અહીંયા રહીને ગણેશજીની અલગ અલગ મૂર્તિઓ બનાવતા હોય છે. એવામાં આ વખતે પણ બંગાળી મૂર્તિકારો મોટી સંખ્યામાં શહેરના અલગ અલગ વિસ્તારમાં આવી પહોંચ્યા છે અને મૂર્તિ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
અમે જૂન મહિનામા જ રાજકોટ આવી ગયા છીએ અને જૂન મહિનાથી જ અમે ગણેશજીની અલગ અલગ મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ વખતે અમે 10 થી 12 જણાની ટીમ સાથે આવ્યા છીએ. ગત વર્ષે 300 થી 400 જેટલી ગણેશજીની મૂર્તિઓ અલગ અલગ વહેંચાઈ હતી. જ્યારે ત્યારે આ વખતે જોઈએ એવી ગણેશજીની મૂર્તિઓની માંગ નથી. આ સાથે જ રોમટીરીયલના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. જેના કારણે ગણેશજીની મૂર્તિના ભાવમાં પણ વધારો થયો છે... દીપકભાઈ જાની(પશ્ચિમ બંગાળમાંથી આવતાં કારીગર)
સૌથી વધુ 2 ફૂટની ગણેશજીની મૂર્તિની માંગ : દીપકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમે દર વર્ષે 9 થી 10 ft ની મૂર્તિ બનાવીએ છીએ તેનાથી મોટી મૂર્તિ રાજકોટમાં બનાવવામાં આવતી નથી. આ સાથે જ અમે 2 ફૂટ અને અઢી ફૂટની ગણેશજીની મૂર્તિ સૌથી વધુ પ્રમાણમાં બનાવતા હોઈએ છીએ. જ્યારે 2 અને અઢી ફૂટની મૂર્તિની માંગ પણ સૌથી વધારે જોવા મળતી હોય છે. અમે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે લાકડા તેમજ વાસના પાન, ચોખા, ઘાસ સુતરી અને ત્યારબાદ છેલ્લે માટી કામ કરીએ છીએ. તેમજ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. જ્યારે હું છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં મૂર્તિ બનાવવાનું કામ કરું છું અને હું ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જ બનાવું છું.