રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા સરકારી શિક્ષકોની ભરતી મામલે જ્ઞાન સહાયક યોજનાની અમલવારી કરનાર છે. એવામાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત શિક્ષકોની 11 માસ માટે ભરતી થશે. જેને લઇને ઠેર ઠેર ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS દ્વારા પણ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
અચ્છે દિન પકોડા સેન્ટર :રાજકોટ શહેરના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા અચ્છે દિન પકોડા સેન્ટર બનાવવામાં આવ્યું હતું અને પકોડા વેચવામાં આવ્યા હતા. આ રીતે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ અગાઉ પણ રાજકોટમાં બી.એડના વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ દ્વારા પણ સરકારની જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
રાજ્યમાં 3 હજાર શિક્ષકોની જગ્યા ખાલી : રાજકોટમાં વિરોધને લઈને CYSSના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સૂરજ બગડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. ત્યારે ભવિષ્યમાં શિક્ષક બનવા માંગતા વિદ્યાર્થીઓ બીએડ કરીને ટેટ ટાટની પરીક્ષાઓ આપતા હોય છે અને યોગ્ય લાયકાત ધરાવતા હોય છે. તેમજ યોગ્ય પરીક્ષા પાસ કરી હોવા છતાં પણ તેમની કાયમી ભરતી કરવાને બદલે સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના બનાવીને કરાર આધારિત ભરતી બહાર પાડી રહી છે જે ખરેખર ખૂબ જ અયોગ્ય છે.
જે વિદ્યાર્થીઓને કાયમી શિક્ષકો બનવું હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉભો થયો છે. એવામાં 1700 જેટલી શાળાઓમાં એક જ શિક્ષક ભણાવતા હોય તેવું પણ સામે આવ્યું છે. તે ઉપરાંત 30000 કાયમી શિક્ષકોની જગ્યાઓ પણ ખાલી છે. ત્યારે ગુજરાત સરકારે કરાર આધારિત ભરતી કરવાને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ તેવી અમારી માંગ છે...સૂરજ બગડા ( ઉપપ્રમુખ, CYSS )
જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ : સૂરજ બગડાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી શાળાઓનું સ્થળ દિવસેને દિવસે ખૂબ જ નીચું જઈ રહ્યું છે. એવામાં જો શાળાઓમાં શિક્ષકોની જ ઘટ હશે તો શિક્ષણનું સ્તર કેવી રીતે સુધરશે. જ્યારે સરકાર દ્વારા 11 માસના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવે ત્યારે તે ભરતીને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે. જેમાં શિક્ષકોની નિયમિત વેતનની સમસ્યાઓ છે. આ સાથે જ 11 મહિના પછી આ શિક્ષકને બીજી જગ્યાએ નોકરી મળશે કે કેમ તે પણ પ્રશ્નો ઉભો રહેશે. જેના કારણે અમે જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છીએ. અમે આજે રાજકોટના કિસાનપરા ચોક ખાતે પકોડા વેચીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસ દ્વારા વિરોધ કરતા CYSSના અંદાજિત 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
- Protest Rally at Navsari : જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ, ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
- Gyan Sahayak Yojna: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સહાયક યોજનાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ
- Valsad News : નેતા અને અધિકારી 11 માસ કરાર આધારિત નોકરી કરશે તો અમે પણ જ્ઞાન સહાયકમાં નોકરી કરવા તૈયાર