'જય ગિરનારી' ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરીને લોકસેવા કરે છે રાજકોટઃ "અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" આ ઉક્તિ રાજકોટના એક દિવ્યાંગ યુવકે સાર્થક કરી છે. રાજકોટના દિવ્યાંગ વિપુલ બોખરવાડિયા અત્યાર સુધી 9 વાર ગિરનાર જેવો મહા પર્વત સર કરી ચૂક્યા છે. સામાન્ય માનવી માટે કપરી એવું આ ચઢાણ તેઓ દિવ્યાંગ હોવા છતાં માત્ર બે હાથના સહારે 9 વાર ચઢી ચૂક્યા છે. તેમની આ સિદ્ધિને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસ તરફથી પણ સન્માનવામાં આવી છે.
2011માં શરુઆતઃ રાજકોટના દિવ્યાંગ વિપુલ બોખરવાડિયાએ વર્ષ 2011માં ગિરનાર પર્વત ચડવાની શરુઆત કરી હતી. આ સમયે તેમની પાસે માત્ર 5 જ મિત્રો હતા. જ્યારે છેલ્લી 9મી વાર 17મી ડિસેમ્બર 2023ના રોજ ગિરનાર ચડ્યા ત્યારે કુલ 100 મિત્રો જોડાયા હતા. વિપુલ બંને પગે પંગુ હોવાથી માત્ર બે હાથના સહારે ગિરનાર પર્વતના પગથિયા ચઢી જાય છે. વિપુલના મિત્રો ગિરનાર ચઢવામાં વિપુલની સતત પડખે ઊભા હોય છે.
ચેરિટેબલ ટ્ર્સ્ટની સ્થાપનાઃ સાહસી સ્વભાવની સાથે વિપુલમાં સેવાની ભાવના પણ પ્રબળ છે. તેથી વિપુલ અને તેમના મિત્રોએ સાથે મળીને 'જય ગિરનારી' ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. આ ચેરિટેબલ ટ્રસ્ટ અત્યારે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. અનેક જરુરિયાતમંદોની સેવા 'જય ગિરનારી' ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે.
હું માત્ર 2 વર્ષનો હતો ત્યારથી મારા બંને પગમાં વિકલાંગતા આવી હતી. જો કે મને ઈશ્વરમાં બહુ શ્રદ્ધા હતી અને મારે કંઈક અલગ કરવું હતું. તેથી મેં 2011માં ગિરનાર જેવા કપરા પર્વતની ચડાઈ શરુ કરી હતી. વર્ષ 2023માં હું કુલ 9 વખત ગિરનાર પર્વત ચડી ચૂક્યો છું. વર્ષ 2014માં હું 4થી વખત ગિરનાર ચડ્યો ત્યારે મને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસે મને સર્ટિફિકેટ અને મેડલ આપ્યા હતા. ભલે તમે શરીરથી વિકલાંગ હોવ પણ મન મજબૂત હોય તો તમે ગમે તે કાર્ય કરી શકો છો...વિપુલ બોખરવાડિયા, 9 વાર ગિરનાર સર કરનાર દિવ્યાંગ, રાજકોટ
- SSC Board Exam Result 2023: દિવ્યાંગ દીકરીએ રાજ્યમાં ડંકો વગાડ્યો, IAS બનવાની ઈચ્છા
- Disabled Couple: દિવ્યાંગ દંપતી પેરા ટેબલ ટેનિસમાં ઇજિપ્ત આંતરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે