રાજકોટઃ વર્ષ 2019માં માત્ર 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજારનાર આરોપીને રાજકોટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પરિવાર સાથે બહાર સુતેલી બાળકીને ગોદડી સાથે ઉપાડી જઈને અવાવર સ્થળે આરોપીએ છરીની અણીએ ક્રુરતા પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સરકારી વકીલે કોર્ટમાં આરોપીને ફાંસીના માચડે લટકાવી દેવાની સજાની માંગણી કરી હતી. જો કે રાજકોટ કોર્ટે જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે.
સમગ્ર ઘટનાક્રમઃ મૂળ બાબરાનો પરિવાર મજૂરી કામ અર્થે રાજકોટ આવ્યો હતો. આ પરિવારમાં પતિ, પત્ની ઉપરાંત પાંચ બાળકીઓ હતી. તા. 29 નવેમ્બર 2019ના રોજ આ પરિવાર રાજકોટના ભાવનગર રોડ પર કોર્પોરેશનના ગાર્ડનની બહાર ફૂટપાથ પર સૂતો હતો. રાત્રે લગભગ 12 કલાક પછી આરોપી હરદેવ માંગરોળીયા અહીંથી પસાર થયો. તેણે પરિવારની સૌથી મોટી 8 વર્ષીય બાળકીને ગોદડા સહિત ઉપાડી લીધી. આરોપી આ બાળકનીને ગાર્ડનના નજીક અવાવર સ્થળે લઈ ગયો હતો. તેણે બાળકી પર બળજબરી શરુ કરતા બાળકી સફાળી જાગી ઉઠી હતી. તેણીએ વિરોધ શરુ કરી દીધો. આરોપીએ બાળકીને છરી બતાવીને ક્રુરતા પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારને પરિણામે બાળકી અર્ધબેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બાળકી લોહીલુહાણ હાલતમાં અવાવર સ્થળેથી જાહેર માર્ગ પર આવી. આ દરમિયાન તેણીના માતા પિતાને પણ બાળકી ગૂમ થઈ હોવાની જાણ થતા તેઓ બાળકીને શોધતા હતા. એક રિક્ષા ચાલકે બાળકીને શોધતી માતાને બાળકી લોહી લુહાણમાં આગળ છે તેવી માહિતી આપતા માતા પિતા બાળકી સુધી પહોંચી શક્યા હતા.