ગુજરાત

gujarat

ETV Bharat / state

જસદણના 98 વર્ષીય દૂધીબેને આપી કોરોનાને માત, છેલ્લા 20 વર્ષથી છે અસ્થમાની બિમારી

રાજકોટના જસદણ શહેરના 98 વર્ષની વૃદ્ધાએ કોરોનાને માત આપી છે. 98 વર્ષીય દૂધીબેન છેલ્લા 20 વર્ષથી અસ્થમાથી પીડાઇ રહ્યા છે. તેમ છતા સારી સારવાર અને મજબૂત મનોબળને કારણે તેમને કોરોનાને હરાવવામાં સફળતા મેળવી હતી.

દૂધીબેન
દૂધીબેન

By

Published : Oct 19, 2020, 10:33 PM IST

  • 98 વર્ષીય દૂધીબેને આપી કોરોનાને માત
  • 20 વર્ષથી અસ્થમાથી પીડાઇ રહ્યા છે
  • મોટી ઉંમર અને અસ્થમાની બીમારીને કારણે રાખતા હતા વિશેષ કાળજી

રાજકોટઃ કોરોના મહામારીને નાથવા સમગ્ર રાજકોટ જિલ્લાની જનતા માટે અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જ્યાં ડૉકટરથી લઈને પેરા મેડિકલ સ્ટાફ દ્વારા ગંભીર રોગ ધરાવતા દર્દીઓને કોરોના મુક્ત બનાવવા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં 20 વર્ષથી અસ્થમાની બીમારીછી પીડાતા રામાણી પરિવારના મોવડી 98 વર્ષીય દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળે કોરોનાને માત આપી છે.

  • દૂધીબેનને 20 વર્ષથી અસ્થમાની બીમારી

અસ્થમાના દર્દી માટે કોરોના વાઇરસ ખૂબ જ જોખમી છે. કારણ કે, કોરોના વાઇરસ શ્વસન તંત્રને નુકસાન પહોંચાડે છે અને અસ્થમાનો રોગ શ્વસન તંત્ર સાથે જોડાયેલો છે. અસ્થમાના દર્દીઓએ કોરોના વાઇરસના ચેપથી ખાસ બચવું જરૂરી છે. આવા જ ગંભીર રોગથી પીડાતા જસદણના વતની જૈફ વયના દૂધીબેનને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. પરિવારજનોને લાગ્યું કે, આ અસ્થમાની બીમારીને કારણે થાય છે. જેથી દૂધીબેનને તેમના પૌત્ર જીગ્નેશ સાથે ફેમેલી ડૉક્ટર પાસે નિદાન અર્થે લઇ ગયા હતા. જ્યાં કોરોનાના લક્ષણો જણાતા ડૉક્ટર દ્વારા કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમના વિસ્તારમાં કાર્યરત ધન્વંતરિ રથમાં કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે કારણે તેમને જસદણ ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • 7 દિવસ સુધી ઓક્સિજન પર રખાયા

જસદણ કોવિડ કેર સેન્ટરની સારવારના અનુભવને વર્ણવતા દૂધીબેન જણાવે છે કે, શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે. મને ખબર નથી કે, મને કોરોના કઈ રીતે થયો, પણ મેં મનથી નક્કી કરી લીધું હતું કે, મારે કોરોનામુક્ત થવું જ છે. ભલે મને અસ્થમા હોય. હોસ્પિટલમાં મને 7 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવી હતી. જે દરમિયાન ડૉકટરો ખાસ મારી મોટી ઉંમર અને મારી અસ્થમાની બીમારી બન્નેને ધ્યાને લઈને મારી વિશેષ કાળજી રાખતા હતા. સારવારના દિવસો દરમિયાન હું હોસ્પિટલમાં બેઠા બેઠા ભજન કર્યા કરતી હતી. ડૉક્ટરોની મહેનત અને સારવારથી જ હું કોરોનાને મ્હાત આપી સંપૂર્ણ સ્વસ્થ થઈ છું.

  • 98 વર્ષીય દૂધીબેને કોરોનાને મ્હાત આપી અન્યને માટે પ્રેરણા સ્ત્રોત બન્યા

જસદણના કોવિડ કેર સેન્ટરમાં દૂધીબેનને મળેલી સારવાર વિશે વાત કરતા તેમના પૌત્ર જીજ્ઞેશભાઈ જણાવે છે કે, બાની મોટી ઉંમર અને અસ્થમાનો રોગ આ બન્નેને કારણે અમને તેમની ચિંતા હતી, પણ કોવિડ કેર સેન્ટરમાંથી દરરોજ અમને ફોન પર બાની તબિયત વિશે ડૉકટરો જણાવતા હતા. બા પણ કહેતા કે, અહીં મને કોઈ તકલીફ નથી. તમે ચિંતા ન કરો, હું કોરોનાને હરાવીને જ રહીશ. ખાસ તો અમે કેર સેન્ટરમાં કાર્યરત સમગ્ર સ્ટાફના આભારી છીએ કે, તેમને બાને પરિવારની જેમ હૂંફ આપીને તેમની સારવાર કરી.

ABOUT THE AUTHOR

...view details