છેલ્લા થોડા સમયથી ગુજરતના અલગ અલગ વિસ્તાર અને જિલ્લામાં વરસાદ ફરી જોવા મળ્યો છે. વિગતો અનુસાર જોઇએ તો, રાજકોટમાં ગુરુવારના રોજ 1 ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો હતો. આજ શુક્રવારના રોજ પણ વાદળછાયા વાતાવરણમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના ગોંડલ રોડ, 150 ફુટ રીંગ રોડ જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટનો આજીડેમ ભરાવાની પણ શક્યતાઓ પણ રહેલી છે.
આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી સતત વરસાદ થઇ રહ્યો છે. જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં એવરેજ 3 થી 5 ઇંચ જેટલો વરસાદ થતા ખેડૂતોમાં રાહતનો શ્વાસ આવ્યો હતો. પાલનપુર આબુરોડ નેશનલ હાઇવે ઉપર દોઢ ફુટ જેટલું પાણી ભરાતા તંત્ર દ્વારા એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદનો સીધો લાભ બનાસકાંઠા જિલ્લાના લોકોને થઇ રહ્યો છે. બનાસ નદીમાં આવતું પાણી દાંતીવાડા ડેમમાં આવતા પાણીના તળ ઊંચા આવશે અને તેનો લાભ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને લોકોને મળશે ત્યારે આગામી સમયમાં હજુ પણ વધુ વરસાદ થવાની શક્યતા હોવાથી હજુ પણ વધુ સારો વરસાદ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.