રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા પહોંચી વળવા માટે પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના 150 ફૂટ રિંગરોડ પર પુનીતનગર ચોકડીથી માધાપર ચોકડી સુધી સવારના 8 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ખાનગી ટ્રાવેલ્સને ચાલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે પોલીસ કમિશનર દ્વારા અચાનક રાતો રાત આ પ્રકારનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પર ટ્રાવેલ્સ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે ધારાસભ્ય અને સાંસદ સભ્યોને રજૂઆત કરી રહ્યા છે. બીજી તરફ આજથી જ ખાનગી ટ્રાવેલ્સમાં પ્રવાસ કરીને આવેલા પ્રવાસીઓને શહેરની બહાર ઉતારવાની ફરજ પડી હતી.
Rajkot News : રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સ પ્રતિબંધનો મામલો વકર્યો, પ્રવાસીઓને શહેરની બારોબાર ઉતારવાની ફરજ પડી - રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સ પર પ્રતિબંધ
રાજકોટ કમિશનર દ્વારા રાતોરાત ટ્રાવેલ્સને શહેરમાં ચલાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને લઈને ટ્રાવેલ્સોને પ્રવાસીઓને બારોબાર રસ્તા પર ઉતારવા પડ્યા હતા. કમિશનરે ટ્રાફિકની સમસ્યાને લઈને પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડતા પ્રમુખ એસોસિયશને કહ્યું કે, ટ્રાફિક પોલીસની મેનેજમેન્ટની ખામીના કારણે ટ્રાફિક સર્જાય છે.
પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે, હવેથી તમે દિવસ દરમિયાન 150 ફૂટ રિંગરોડ પરથી બસોમાં પ્રવાસીઓને ભરી નહિ શકો અને અહીંયા ઉતારી પણ નહિ શકો. જ્યારે આ પરિપત્ર રાતોરાત જાહેર કરવામાં આવ્યો છે. જેનો આજથી અમલ થયો છે, ત્યારે આજથી જ રાજકોટ ખાતે આવતા પ્રવાસીઓને અમારે બારોબાર રસ્તા પર ઉતારવા પડ્યા છે. જ્યારે આ પરિપત્રના કારણે રીક્ષાવાળાઓ પ્રવાસીઓ પાસેથી બેફામ પૈસા પડાવી રહ્યા છે. એવામાં ખાનગી બસોના કારણે ટ્રાફિકની સમસ્યા નથી સર્જાતી, પરંતુ ટ્રાફિક પોલીસની મેનેજમેન્ટની ખામીના કારણે ટ્રાફિક સર્જાય છે. જ્યારે રાજકોટમાં અંદાજે દરરોજ 200થી 250 જેટલી ખાનગી બસ આવે છે. દૈનિક 5 હજાર કરતાં વધુ પ્રવાસીઓ ખાનગી બસમાં ટ્રાવેલિંગ કરે છે. - દશરથ સિંહ વાળા (પ્રમુખ, ટ્રાવેલ્સ એસોસિયશન)
પ્રવાસીઓને હેરાન ન થાય તે પ્રકારની વ્યવસ્થા : એવામાં રાજકોટના દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર દ્વારા ખાનગી બસના દિવસ દરમિયાન પ્રતિબંધ મામલે જે પરિપત્ર છે. તે અંગેની રજૂઆત માટે બસ એસોસિયેશનના હોદેદારો આવ્યા હતા. ત્યારે આ મામલે અમે પોલીસ કમિશનર અને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચે બેઠક કરાવશું અને આ મામલે બંને પક્ષને અનુરૂય યોગ્ય નિર્ણય થાય તેવા પ્રયત્ન કરશું. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આ અગાઉ પણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી. તે સમયે પણ પોલીસ કમિશનર દ્વારા ખાનગી બસને 150 ફૂટ રિંગરોડ પર દિવસ દરમિયાન ચાલવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, ત્યારે ખાનગી બસો દ્વારા લોકો શહેરની બહાર આવવા જવા માટે મીની બસની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.