- રાજકોટ શહેર મહાનગરપાલિકામાં આજે અનોખી ઘટના
- મંદિરના પૂજારી દાનમાં આવેલા ચિલ્લર લઈને વેરો ભરવા આવ્યા
- મનપા કર્મિએ દાનનું ચિલ્લર લેવાની મનાઇ ફરમાંવી
રાજકોટ: શહેર મહાનગરપાલિકામાં આજે અનોખી ઘટના સામે આવી હતી. જ્યાં વેરા વસુલાત શાખામાં મંદિરના પૂજારી દાનમાં આવેલા ચિલ્લર લઈને વેરો ભરવા માટે આવ્યા હતાં. જો કે પહેલાતો મનપા કર્મીએ આ ચિલ્લર લેવાની ના પાડી દીધી હતી પરંતુ ત્યારબાદ આ સમગ્ર બાબતની મેયરને જાણ થતાં મેયર પ્રદીપ ડવ દ્વારા તાત્કાલિક આ મામલે વચ્ચે પડીને પૂજારીનો વેરો સ્વિકારવાની સૂચના આપી હતી. જેને લઈને પૂજારીનો વેરો લેવામાં આવ્યો હતો. જો કે મનપા કચેરીમાં ચિલ્લર લેવાની ના પાડવાની વાત સામે આવતા સમગ્ર શહેરમાં તે ચર્ચાનો વિષય બન્યો હતો.
મનપા કચેરીમાં ચિલ્લર સ્વિકારવાની મનાઈ
રાજકોટના હુડકો ચોકડી નજીક મારુતિ મંદિરના પૂજારી ધર્મેન્દ્ર ભટ્ટ આજે મંદિરમાં દાનમાં આવેલી રકમ લઈને મનપા કચેરી ખાતે વેરો ભરવા માટે આવ્યા હતા. જયારે પૂજારી દ્વારા વેરા માટે 50 પૈસા, રૂપિયો, 2 રૂપિયા સહિતનું ચિલ્લર કચેરીમાં જમા કરાવવા માટે આપ્યું હતું. જેને લઈને મનપા કર્મચારી દ્વારા ચિલ્લર લેવાની મનાઈ કરવામાં આવી હતી. જેને લઈને મંદિરના પૂજારી મુશ્કેલીમાં મુકાયા હતા. જયારે તેઓ રૂ.1800નો વેરો ભરવા માટે આવ્યા હતા પરંતુ આ 1800માંથી તેઓ અંદાજીત રૂપિયા 700નું ચિલ્લર લઈને આવ્યા હતા.
આ પણ વાંચો:જેતપુર તાલુકા પંચાયતના વિકાસ અધિકારીનો તુઘલકી નિર્ણય, વેરો ભર્યો હશે તો જ નીકળશે જાતિનો દાખલો