ગુજરાતની તમામ બેઠક ભાજપ જીતશે: ઓમ માથુર
રાજકોટ: ભાજપ ગુજરાતના પ્રભારી ઓમ માથુરે ગુરૂવારે રાજકોટની મુલાકાત લીધી હતી. પત્રકારોને સંબોધતા ઓમ માથુરે જણાવ્યું કે, રાજકોટ લોકસભા બેઠકના સંકલન પ્રમુખ સાથે મારી બેઠક યોજાઇ હતી. જેમની સાથે લોકસભાની બેઠક અંગે ટેકનીકલ ચર્ચા થઈ હતી. ભાજપનું લક્ષ્ય છે કે ગુજરાતની 26 બેઠક પર કબ્જો કરી તેને લીડ સાથે કઈ રીતે જીતી શકાય તે અંગે પેજ પ્રમુખોને પણ માહિતી આપવામાં આવી હતી. પ્રથમ તબક્કાના મતદાન અંગે જણાવ્યું હતું કે, આજે દેશમાં બહુ સારું મતદાન થયું છે અને મોટાભાગના મત અમારા પક્ષમાં પડશે.
સમગ્ર દેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે. લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન થશે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના દિગગજ નેતાઓ ગુજરાતનો પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર આજે રાજકોટના પ્રવાસે હતા. ત્યારે તેમણે અહીં રાજકોટ લોકસભા બેઠક અંગે માહિતી મેળવીને રાજકોટ શહેર ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજી હતી. રાજકોટની મુલાકાતે આવેલા ભાજપ પ્રભારી ઓમ માથુરે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ ગુરૂવારે દેશમાં યોજાયેલ પ્રથમ તબક્કાના મતદાન અંગે જણાવ્યું કે, લોકોએ ખૂબ સારું મતદાન કર્યું છે અને મોટાભાગે અમારા તરફી મતદાન થયું છે.