રાજકોટ: રાજ્યના ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે આજે મેટોડા સહિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, સુલતાનપુર અને એઇમ્સ પોલીસ ચોકી ખાતે નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે પડધરી પોલીસ મથક વિસ્તારમાં આવતી એઇમ્સ હોસ્પિટલની એક પોલીસ ચોકીનુ પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ 19 પોલીસ મથક હતા. જે વધીને હવે પોલીસ મથકની સંખ્યા 25 થઈ છે.
Police Stations Inauguration: ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ ગ્રામ્યના 5 પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ ગ્રામ્યના 5 પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૃહરાજયપ્રધાને રાજકોટ શહેર તથા જિલ્લામાં વધુ ને વધુ લોકદરબારનું આયોજન કરવા પોલીસ વિભાગને સૂચનો આપ્યા હતા.
Published : Sep 2, 2023, 7:29 PM IST
" નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતી વેળાએ આ પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિક સાથે માનવીય વર્તન થાય, અને નાગરિકોને ન્યાયપૂર્ણ વાતાવરણ મળી રહે તે જોવાની જવાબદારી પોલીસ સ્ટેશનની સંપૂર્ણ ટીમની છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, નવ નિર્મિત પોલીસ સ્ટેશનના કારણે સામાન્ય નાગરિકોને દૂર સુધી જવું નહિ પડે અને વિવિધ વિસ્તારમાં લોકરક્ષાની કામગીરી ઝડપથી થશે. - હર્ષ સંઘવી, ગૃહપ્રધાન
લોકો દરબારનું આયોજન કરવા આપી સૂચના: ગૃહરાજયપ્રધાને રાજકોટ શહેર તથા જિલ્લામાં વધુ ને વધુ લોકદરબારનું આયોજન કરવા પોલીસ વિભાગને સૂચન આપતાં જણાવ્યું હતું કે, સ્કૂલ અને કોલેજ પાસે વિદ્યાર્થીનીઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરે. રાજ્ય સરકાર દ્વારા 12 લોકોને ફાંસી અને 80 થી વધારે લોકોને આજીવન કેદ અને કડક સજા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નવા પાંચ પોલીસ મથક બનતા આગામી દિવસોમાં અહીંયા ગુનાખોરીમાં પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે.