રાજકોટમાં મનપા જનરલ બોર્ડમાં ગેરલાયક સભ્ય હાજર રહેતા, માહોલ ગરમાયો
રાજકોટઃ મહાનગરપાલિકાની શુક્રવારે જનરલ બોર્ડ મળી હતી. જેમાં બોર્ડની શરુઆતમાં જ માહોલ ગરમાયો હતો. મનપામાં ગેરલાયક ઠરેલ મહિલા કોર્પોરેટર અચાનક જનરલ બોર્ડમાં હાજર રહેતા મામલો બીચક્યો હતો. શાસક અને વિપક્ષના નેતાઓ વચ્ચે ભારે તુતુમેમે સર્જાઈ હતી. જો કે હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા હોવાથી મોટા ભાગની દરખાસ્તો પેન્ડિંગ રહી હતી.
રાજકોટ મહાનગરપાલિકામાં શુક્રવારે મેયર બીના આચાર્યના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ મળ્યું હતું. આ જનરલ બોર્ડમાં અગાઉ સત્તત 3 જનરલ બોર્ડમાં ગેરહાજર રહેલા અને ગેરલાયક ઠરેલ વોર્ડ નંબર 17ના મહિલા કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠા બા જાડેજા હાજર રહ્યા હતા. જેમને મેયર દ્વારા જનરલ બોર્ડમાંથી બહાર કાઢવા માટેનો હુકમ કરાતા કોંગ્રેસના કોર્પોરેટર રોષે ભરાયા હતા. શાસક પક્ષ અને વિપક્ષના કોર્પોરેટરો એકબીજાની આમને સામને આવી ગયા હતા. જો કે, બીપીએમસીના એક્ટ મુજબ ગેરલાયક ઠરેલ કોર્પોરેટર જનરલ બોર્ડમાં ઉપસ્થિત ન રહી શકે તે નિયમ મુજબ મહિલા કોર્પોરેટર જનરલ બોર્ડમાંથી જતા રહેતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો.