રાજકોટઃ જિલ્લામાં અકસ્માત માટે કુખ્યાત ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર લોકડાઉન પૂરું થવાની સાથે જ ટ્રાફિક ધમધમવા લાગ્યો છે, ત્યારે ગોંડલ નજીક ભુણાવાના પાટીયા પાસે કારચાલકે એક્ટિવા અને છકડો રિક્ષાને અડફેટે લઈ ડિવાઈડર પર પલટી મારી જતા કારમાં આગ ભભૂકી ઉઠી હતી. સર્જાયેલા અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઘાયલને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.
ગોંડલ ભુણાવા પાસે ત્રીપલ અકસ્માત, પતિની નજર સામે જ પત્નીનું મોત
ગોંડલના ભુવાણા પાસે કાર, બાઇક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. ખાનગી કાર ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા કાર ચાલકે એક્ટીવા ચાલક અને છકડાને અડફેટે લીધા હતા. જેમાં પતિની નજરની સામે જ પત્નીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
ગોંડલથી રાજકોટ તરફ પુરપાટ ઝડપે દોડી રહેલી ખાનગી કાર ચાલકે કાર પર કાબૂ ગુમાવતા GJ03JP 1382 નંબરના એક્ટિવા અને GJ03AZ 5730 નંબરના છકડા રિક્ષાને અડફેટે લઈ કાર ડિવાઈડર સાથે અથડાઇ હતી. આ સર્જાયેલા અકસ્માતમાં કાર આગ ભભૂકી હતી. ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઈટરને થતા તેઓ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ તે દરમિયાન કાર બળીને ખાખ થઈ જવા પામી હતી. ઘટના સમયે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પસાર થઈ રહ્યા હતા તેમણે પણ સ્થળ પર રોકાઈ પૂછપરછ કરી હતી.
રાજકોટના પરસાણાનગરમાં રહેતા અને વિરાણી ચોકમાં પેપરનું વિતરણનું કામ કરતા અબ્બાસભાઈ સુમરા તેમના પત્ની સલિમાબેન સાથે ગોંડલથી એક્ટિવા પર રાજકોટ ઘરે પરત જઇ રહ્યા હતા. ત્યારે આ અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નીનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે અબ્બાસભાઈ પણ ગંભીર રીતે ઘવાયા હતા તેથી તેમને હોસ્પિટલ સ્ટાફે સારવાર શરૂ કરી હતી.