ભારત સરકાર દ્વારા પર્યાવરણની રક્ષા અને લોકોને સરળ પરિવહન સેવા ઉપલબ્ધ થાય તેવા હેતુથી દેશના 10 લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોને ઇલેક્ટ્રિક બસો ફાળવવા માટે તૈયાર કરેલી એક ખાસ યોજના FAME INDIA SCHEME PHASE-II ( ફેમ ઇન્ડિયા સ્કીમ ફેઇઝ-2) હેઠળ રાજકોટ મહાનગરપાલિકા માટે 50 ઇલેક્ટ્રિક બસ મંજુર કરવામાં આવી છે.
રાજકોટના માર્ગો પર આગામી દિવસોમાં દોડશે ઈ-બસ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી - ઇલેક્ટ્રિક બસ
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર પાસે ઈ-બસોની માંગણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે 50 ઈ-બસો રાજકોટને ફાળવાઇ છે. જેને લઇને રાજકોટ મનપા દ્વારા કેન્દ્ર સરકારનો આભાર માનવામાં આવ્યો હતો. રાજકોટ માટે કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે 50 ઇલેકટ્રીક બસો ફાળવવામાં આવતા આગામી દિવસોમાં રાજકોટના રાજમાર્ગો પર ઈ-બસોનો શહેરીજનો લાભ લઇ શકશે.
દેશના 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કુલ 14,988 ઇલેક્ટ્રિક બસ માટે કુલ 86 દરખાસ્તો ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝને પ્રાપ્ત થઇ હતી. આ તમામ પ્રસ્તાવોના મૂલ્યાંકને અંતે કેન્દ્ર સરકારની પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન એન્ડ સેન્કશન કમિટી દ્વારા કુલ 64 શહેર/સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે કુલ 5,095 ઈ-બસ મંજુર કરી છે. જેમાં રાજકોટ શહેર માટે 50 ઈ-બસની મંજુરી આપવામાં આવેલી છે.
આ પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન એન્ડ સેન્કશન કમિટી દ્વારા રાજકોટ માટે 50 ઇલેક્ટ્રિક બસ સહિતે કુલ 64 શહેરો/સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે જે કુલ 5095 ઈ-બસ મંજુર કરી છે. તેના નિર્ધારિત પરિવહન પીરીયડ દરમ્યાન દેશમાં આ તમામ બસ કુલ 4 અબજ કિલોમીટરનો રન કાપશે અને આશરે કુલ 1.2 અબજ લિટર ઈંધણની બચત થશે. જેના પરિણામે કુલ 2.6 મિલિયન ટન જેટલી માત્રામાં કાર્બન ઉત્સર્જન ઘટશે તેવી અપેક્ષા છે.