ધોરાજી: ધોરાજીમાં સુન્ની મુસ્લિમ સમાજ કોરોના દર્દીઓની વ્હારે આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરીને માનવતાની મહેક ફેલાવી છે.
ધોરાજીના સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ફ્રૂટનું વિતરણ - ધોરાજીમાં ફ્રુટનું વિતરણ
કોરોના મહામારી વિશ્વભરમાં તબાહી મચાવી રહ્યુ છે. કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીઓની હાલત કફોડી બની છે.દર્દીઓની સારસંભાળ લેવા માટે ડોક્ટરોની અછત ઉભી થઈ છે. ત્યારે ધોરાજીમાં સુન્ની મુસ્લિમ સમાજ કોરોના દર્દીઓની વ્હારે આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરીને માનવતાની મહેક ફેલાવી છે.
અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કોઈપણ નાતજાતના ભેદભાવ વગર લોકડાઉન દરમિયાન સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. ધોરાજી ખાતે કોવિડ 19 હોસ્પિટલ શરુ થતાં જ દર્દીઓ માટે વિનામૂલ્યે ઓક્સિજનની સુવિધાવાળી એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ કરાવી હતી. જ્યારે પણ કોરોનાના દર્દીઓને મુશ્કેલી પડે ત્યારે સુન્ની સમાજ આગળ આવે છે.
હવે આ સમાજ દ્વારા દર્દીઓને ફ્રુટ તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસૅટીયા, મામલતદાર કિશોર જોલપરા તેમજ સમસ્ત સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ સહિતના લોકો આ સેવાકીય કામના સહભાગી બન્યા હતા.