ગુજરાત

gujarat

ETV Bharat / state

'મહા' અસર : દીવ-ઉનામાં ભારે વરસાદ, જાફરાબાદ બંદરે 3 નંબરનું સિગ્નલ

ગીર સોમનાથ: મહા વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ તેની અસર દીવ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે જોવા મળી રહી છે. આ વાવાઝોડાની અસરથી મધદરિયે કરંટ જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડાને કારણે ગીર સોમનાથ જિલ્લામાં અને દીવમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય દીવ અને ઉનામાં ભારે વરસાદ વરસ્યો છે. વાવાઝોડાની અસરને ધ્યાનમાં જાફરાબાદ બંદરે 3 નંબરનું સિગ્નલ રાખી દેવામાં આવ્યું છે.

By

Published : Nov 7, 2019, 1:23 PM IST

file photo

મહા વાવાઝોડાની અસર મહુવામાં જોવા મળી છે. ભાવનગરના મહુવામાં હળવો વરસાદ થયો છે. આ વરસાદ થતાં ખેડૂતો અને નગરજનો પરેશાન થયાં છે. મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. બીજી તરફ આણંદ જિલ્લામાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ થયો હતો. પવન સાથે વરસાદ થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતાં. હજુ પણ કેટલાય ખેડૂતોની ડાંગર ખેતરોમાં હોવાથી ચિંતા વધી છે.

'મહા' અસર : દીવ-ઉનામાં ભારે વરસાદ,જાફરાબાદ બંદરે 3 નંબરનું સિગ્નલ

મહા વાવાઝોડાની અસરના કારણે સુરતના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વહેલી સવારે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે લીંબાયત વિસ્તારમાં મંડપ તૂટી પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં. જૂનાગઢના માળીયા હાટીના તાલુકામાં "મહા" વાવાઝોડાની અસરથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માળીયા હાટીનામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ઝરમરિયો વરસાદ થયો હતો. ખેડૂતોનું શિયાળુ પાકનું વાવેતર હજુ બાકી હતું ત્યાં અમુક વાવેતરને નુક્સાન સાથે ઘાસચારાને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.

મહા વાવાઝોડાની અસરો વરસાદ રૂપે અમરેલી જિલ્લામાં પણ જોવા મળી હતી. જાફરાબાદ અને રાજુલાના દરિયા કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું. આ કમોસમી વરસાદથી ખરીફ પાકને નુક્સાન થવાની શક્યતાઓ તો બીજી તરફ રવી પાકો પર પણ વિપરીત અસરો પડી શકે છે. વડોદરાના સાવલી પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો હતો. આ વરસાદથી ડાંગર-કપાસ સહિતની ખેતીમાં ભારે નુકસાન થવાનો ભય છે. જેથી નાના વહેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ABOUT THE AUTHOR

...view details