રાજકોટ: હૈયામાં ધરપત અને સરકારનો અંત:કરણથી આભાર માનતા જેતપુર તાલુકાના 55 વર્ષીય લાભાર્થી ગંગા સ્વરૂપ સવિતાબેન ગોકળભાઈ સરવૈયાની આ વાત છે. જેમણે કહ્યું કે,"પ્રધાનમંત્રી આવાસ યોજનાને લીધે અમારા ભાગ્યમાં આજે ઘરનો પાકો ઓટલો મળ્યો છે. પતિના અવસાન બાદ એકાએક મુશ્કેલીઓ માથે આવી પડી હતી. કાચા અને જર્જરિત મકાનમાં જ અમારું આખું જીવન પસાર થઈ જાત જો જેતપુર તાલુકના અધિકારીઓએ અમારી ભાળ લીધી ન હોત તો. તેઓએ અમને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતગાર કર્યા. આ યોજનાનો લાભ મેળવીને અમે પાકું મકાન બનાવી શક્યા છીએ."
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 2.17 કરોડની સહાયનો લાભ લેતા 181 લાભાર્થીઓ
રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 2.17 કરોડની સહાયનો લાભ 181 લાભાર્થીઓને મળ્યો હતો.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ઘરવિહોણા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારજનોને પ્રાથમિક જરૂરિયાતો સાથેનું સુવિધાસજ્જ પાકું ઘર મળે તેવા માનવતાસભર ઉદ્દેશ્ય સાથે વર્ષ 2016-17થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના થકી દરેક લાભાર્થીને 1.20 લાખની સહાય ચૂકવવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે વર્ષ 2019-2020 દરમિયાન કુલ 181 આવાસના લક્ષ્યાંક સાથે લાભાર્થીઓ માટે રૂપિયા 2.17 કરોડની સહાય ફાળવવામાં આવી હતી. જે પૈકી 104 લાભાર્થીઓના આવાસની કામગીરી પૂર્ણ થઈ ગઇ છે અને 77 આવાસની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડીસ્ટ્રીક કો-ઓર્ડીનેટર ઋષિત અગ્રવાલની યાદીમાં જણાવાયું હતું.
છુટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા અને થાણાગાલોળમાં રહેતા લાભાર્થી મહેશભાઈ પરમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધા પહેલાની પરિસ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, "પિતાના વારસામાં મળેલી ધૂળ અને ઈંટોથી બનેલા કાચા મકાનમાં વસાવટ કરતો હતો. ચોમાસાની ઋતુમાં તો મકાનમાં પાણી ભરાઈ જતું. વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં ઘર મૂકીને થોડા સમય માટે ભાડે રે’વા જવાની નોબત પણ જીવનમાં આવી છે. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણ થતા આ યોજનાનો લાભ મેળવીને આજે પાકા મકાનમાં પરિવાર સાથે કોઈ ચિંતા વિના રહી શકું છું. સરકારનો આભાર માનું છું કે તેમની આ યોજનાને લીધે અમારા જેવા અનેક પરિવારોને પાકા મકાનનો લાભ મળ્યો છે."