પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધ્રુવાળા ગામે વન વિભાગનો ઘાસ ડેપો આવેલો છે. હાલમાં કુતિયાણા તાલુકામાં વરસાદ ન પડવાના લીધે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. કુતિયાણા નજીકના ગામડાના માલધારીઓ પાસે પશુઓને ખવડાવા ઘાસચારો ન હોવાને કારણે આ વિસ્તાર 20થી વધુ માલધારી પોતાના પશુ લઇ હિજરત કરી ચુક્યા છે. આ તાલુકાના ધ્રુવાળા, હેલાંબેલી, ટીબી નેસ સહીત આસપાસ ગામડાના આગેવાનો દ્વારા છેલ્લા છ મહિનાથી કલેકટર અને મામલતદારને લેખિતમાં આ વિસ્તારમાં ઘાસચારો આપવા રજૂઆત કરી હતી.
કુતિયાણાના ધ્રુવાળા ગામે વન વિભાગના ડેપો પાસે ગ્રામજનોએ કર્યો ઘેરાવ
પોરબંદર: કુતિયાણાના ધ્રુવાળા ગામે વન વિભાગના ઘાસડેપોમાંથી ટ્રક મારફત ઘાસચારો દ્વારકા જિલ્લા તરફ મોકલવામાં આવતો હતો. તે દરમિયાન ધ્રુવાળા સહીત આસપાસના કેટલાક ગામના લોકોએ આ ટ્રકને અટકાવ્યો હતો અને નજીકના ગામોમાં ઘાસનું વિતરણ કર્યા બાદ જ અન્યત્ર ઘાસચારો મોકલવા રજૂઆત કરી હતી. જો કે, બાદમાં વહીવટીતંત્ર અને વન વિભાગની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
ઘાસચારો આપવામાં આવે તો હિજરત થતા અટકે અને તેઓના પશુઓના જીવ બચી શકે, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જયારે આજે આ ઘાસ ડેપો ખાતેથી દ્વારકા વિસ્તાર અછતગ્રસ્ત જાહેર કરાયો હોવાથી ટ્રક મારફત અહીંથી ઘાસચારો મોકલવામાં આવતો હતો. જેથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. આથી, આજે ટ્રક દ્વારકા તરફ રવાના થતી હતી તે દરમિયાન મહિલાઓ સહીતના ગ્રામજનો વન વિભાગના ઘાસ ડેપોની બહાર બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી અને બાદમાં વન વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા જણાવ્યું હતું અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.